જસદણ: રાજકોટ જિલ્લાના જસદણમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંની આલ્ફા સ્કૂલમાં ૧૦ વર્ષની માસૂમ વિદ્યાર્થિની આયુષીના રહસ્યમય મોત મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શાળાના બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.
૧૧ દિવસથી બાળકી બીમાર હતી, સારવાર ન આપી
મહુવાના મોટા જાદરા ગામના રમેશભાઈ બલદાણિયાએ પોતાની પુત્રી આયુષીને ગત ૨૭ એપ્રિલે આલ્ફા સ્કૂલમાં ભણવા મોકલી હતી. આયુષીને છેલ્લા કેટલાક દિવસોથી અછબડા અને તાવની ગંભીર બીમારી હતી. પરિવારનો આક્ષેપ છે કે ૧૧ દિવસથી બીમાર હોવા છતાં શાળા પ્રશાસને તેને કોઈ યોગ્ય સારવાર ન આપી.
પરિવારને મળવા કે વાત કરવા ન દીધી
પિતાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે શાળાના નિયમોનું બહાનું ધરીને છેલ્લા બે મહિનાથી દીકરીને પરિવાર સાથે ફોન પર કે રૂબરૂ વાત કરવા દેવામાં આવી ન હતી. બુધવારે બપોરે બાળકીની હાલત વધુ બગડતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ ગુનો દાખલ
બાળકીના મોત બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પરિવારની ફરિયાદ અને રિપોર્ટના આધારે જસદણ પોલીસે કડક પગલાં લીધા છે. પોલીસે આલ્ફા સ્કૂલના સંચાલક અને ટ્રસ્ટી જયસુખ સંખારવા તથા હિરેન સંખારવા વિરુદ્ધ નવી કલમ BNS ૧૦૫ (સાપરાધ મનુષ્યવધ) અને ૫૪ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.
સ્કૂલ અને હોસ્ટેલ ૧ મહિના માટે બંધ
આ ઘટનાને પગલે એસપી (SP) સહિતના ઉચ્ચ અધિકારીઓએ આલ્ફા સ્કૂલની મુલાકાત લીધી હતી. ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ અને ડરનો માહોલ છે. અનેક વાલીઓ પોતાના બાળકોને હોસ્ટેલથી ઘરે લઈ ગયા છે. તણાવભરી સ્થિતિને જોતા સ્કૂલ અને હોસ્ટેલને હાલ ૧ મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
