ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની સરકારી અંતિમવિધિ 4 જુલાઈથી 9 જુલાઈ વચ્ચે યોજાશે. આ અંતિમવિધિમાં સામેલ થવા માટે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. જોકે, પીએમ મોદી પોતે જવાને બદલે ભારતના બે ખાસ પ્રતિનિધિઓને ઈરાન મોકલશે.
ભારતના આ બે પ્રતિનિધિઓ જશે ઈરાન
ભારત સરકાર તરફથી અયાતુલ્લા ખામેનેઈની અંતિમવિધિમાં સત્તાવાર રીતે હાજરી આપવા માટે બે નામ નક્કી કરાયા છે:
-
લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન (બિહારના રાજ્યપાલ)
-
પવિત્રા માર્ગેરિટા (વિદેશ રાજ્ય મંત્રી)
વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટા અગાઉ એપ્રિલ મહિનામાં ઈરાની દૂતાવાસ દ્વારા આયોજિત ખામેનેઈની શોકસભા (ચેહેલુમ)માં પણ સામેલ થયા હતા.
તેહરાન, કોમ અને મશહદમાં યોજાશે કાર્યક્રમો
રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ખામેનેઈની અંતિમવિધિ સાથે જોડાયેલી ધાર્મિક વિધિઓ અને કાર્યક્રમો અલગ-અલગ શહેરોમાં યોજાશે:
-
5, 6 અને 7 જુલાઈ: તેહરાન અને કોમ શહેરમાં લોકો અંતિમ વિદાય આપશે.
-
9 જુલાઈ: અંતિમ કાર્યક્રમ મશહદ શહેરમાં યોજાશે. જ્યાં ઈમામ રઝા દરગાહ પરિસરમાં તેમને દફનાવવામાં આવશે.
દીકરી અને જમાઈને પણ સાથે દફનાવાશે
અયાતુલ્લા અલી ખામેનેઈએ ત્રણ દાયકા કરતાં વધુ સમય સુધી ઈરાન પર શાસન કર્યું હતું. 28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં તેમનું અવસાન થયું હતું. આ હુમલામાં ખામેનેઈની સાથે તેમની દીકરી અને જમાઈ પણ માર્યા ગયા હતા. આ તમામની અંતિમવિધિ એક જ દિવસે સાથે કરવામાં આવશે. ખામેનેઈના અવસાન બાદ તેમના પુત્ર મોજતબા અલી ખામેનેઈને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા જાહેર કરવામાં આવ્યા છે.
