ઓડિશાના રાઉરકેલામાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. સુંદરગઢ જિલ્લાના બિસરા બ્લોકના જરાટોલા ગામમાં એક યુવકે એકતરફી પ્રેમમાં અંધ થઈને ૨૬ વર્ષની યુવતીના ઘરમાં આગ લગાવી દીધી હતી. આ હુમલામાં યુવતી આશરે ૪૦ ટકા જેટલી દાઝી ગઈ છે. હાલ હોસ્પિટલમાં તેની હાલત અત્યંત ગંભીર છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવતા ગુસ્સામાં આપ્યો અંજામ
મળતી માહિતી મુજબ, આરોપી લાંબા સમયથી યુવતીની પાછળ પડ્યો હતો. તે યુવતી સાથે રિલેશનશિપમાં રહેવા માંગતો હતો. પરંતુ યુવતીએ તેનો પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. આ વાતનો બદલો લેવા માટે આરોપીએ આ ખોફનાક પગલું ભર્યું હતું.
બારીમાંથી પેટ્રોલ નાખી રૂમ સળગાવ્યો
શુક્રવારે મોડી રાત્રે યુવતી પોતાના રૂમમાં સૂતી હતી. તે સમયે આરોપી ત્યાં પહોંચ્યો હતો. તેણે બારીમાંથી રૂમની અંદર પેટ્રોલ છાંટ્યું અને આગ લગાવી દીધી. જોતજોતામાં આખી આગ રૂમમાં ફેલાઈ ગઈ અને યુવતી અંદર ફસાઈ ગઈ.
યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ આગ ઓલવી યુવતીને બહાર કાઢી હતી. તેને તાત્કાલિક રાઉરકેલાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરો સતત તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
પોલીસે આરોપીને દબોચ્યો, આત્મહત્યાનો પણ હતો પ્લાન
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પુરાવા એકઠા કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. રાઉરકેલાના એસપી નિતેશ વાધવાનીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આ મામલો એકતરફી પ્રેમનો હોવાનું બહાર આવ્યું છે.
ચોંકાવનારી વાત એ છે કે યુવતીને આગ લગાવ્યા બાદ આરોપી પોતે પણ આત્મહત્યા કરવાનો હતો. પરંતુ પોલીસ સમયસર પહોંચી જતાં મોટી અણહોની ટળી ગઈ હતી. પોલીસ હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
