ઝારખંડના ધનબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સ્ટેશન પર ફસાયેલી અસમની એક યુવતી ને કામ અપાવવાના બહાને ફ્લેટમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના ધનબાદની એક હાઈ-પ્રોફાઈલ સોસાયટીના ફ્લેટમાં બની હતી. યુવતીની ચીસો સાંભળીને પડોશીઓ દોડી આવ્યા હતા અને એક આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
ટ્રેન ચૂકી ગયા બાદ બની ઘટના
મળતી માહિતી મુજબ, પીડિત યુવતી પોતાની સહેલીઓ સાથે મુંબઈ જઈ રહી હતી. પરંતુ ધનબાદ સ્ટેશન પર તેની ટ્રેન ચૂકી ગઈ હતી.
-
યુવતી બે દિવસ સુધી સ્ટેશનની આસપાસ ભટકતી રહી.
-
આ દરમિયાન તેની મુલાકાત સ્ટેશન નજીક કામ કરતા રાજુ સાવ નામના વ્યક્તિ સાથે થઈ.
-
રાજુએ તેને ઘરકામ અપાવવાનો ભરોસો આપ્યો.
-
ત્યારબાદ તેણે યુવતીને એક સોસાયટીના ફ્લેટમાં મોકલી આપી.
પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે ફ્લેટમાં સાફ-સફાઈ કરી રહી હતી, ત્યારે ફ્લેટના માલિકે તેની સાથે છેડતી શરૂ કરી દીધી હતી. તેણે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો અને વિરોધ કરવા પર યુવતીને દારૂ પીવડાવવાની કોશિશ પણ કરી હતી.
પડોશીઓએ બહાદુરી બતાવી આરોપીને પકડ્યો
યુવતીએ પોતાની જાતને બચાવવા માટે જોરજોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. તેની ચીસો સાંભળીને સોસાયટીના લોકો અને પડોશીઓ તરત જ ત્યાં જમા થઈ ગયા હતા. લોકોએ તત્પરતા બતાવીને આરોપી રાજુ સાવને ઘટનાસ્થળે જ પકડી લીધો હતો. જોકે, તેનો એક સાથીદાર ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ગોવિંદપુર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે ફ્લેટની તલાશી લીધી ત્યારે ત્યાંથી દારૂની ખાલી બોટલો અને અન્ય આપત્તિજનક વસ્તુઓ મળી આવી હતી. પોલીસે રાજુ સાવને કસ્ટડીમાં લીધો છે.
પીડિતા માનસિક રીતે ખૂબ જ પરેશાન
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિત યુવતી અત્યારે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ પરેશાન છે. આ કારણે તેનું વિગતવાર નિવેદન હજુ નોંધી શકાયું નથી. યુવતીનો મોબાઈલ ફોન પણ ખોવાઈ ગયો છે, જેના કારણે તેના પરિવારનો સંપર્ક થઈ શક્યો નથી.
પોલીસે જણાવ્યું કે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ સોસાયટીની સુરક્ષાને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી છે.
