ભારતીય રમતગમતના વહીવટને લઈને એક મહત્વના કાનૂની નિર્ણયમાં કેન્દ્રીય માહિતી આયોગે (CIC) ચુકાદો આપ્યો છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માહિતીના અધિકાર (RTI) અધિનિયમ, ૨૦૦૫ હેઠળ નહીં આવે. આ કાયદા હેઠળ બીસીસીઆઈને “જાહેર સત્તામંડળ” (Public Authority) ગણી શકાય નહીં.
સીઆઈસીએ પોતાનો ૮ વર્ષ જૂનો નિર્ણય પલટાવ્યો
માહિતી કમિશનર પી.આર. રમેશ દ્વારા જાહેર કરાયેલા આ આદેશથી વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડને (BCCI) આરટીઆઈ હેઠળ માહિતી આપવામાંથી મુક્તિ મળી ગઈ છે. આ પહેલા વર્ષ ૨૦૧૮માં તત્કાલીન માહિતી કમિશનરે બીસીસીઆઈને પબ્લિક ઓથોરિટી જાહેર કરી હતી. તે સમયે બોર્ડને માહિતી અધિકારી નિયુક્ત કરવાનો આદેશ પણ અપાયો હતો, જેને બીસીસીઆઈએ મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
શા માટે બીસીસીઆઈ આરટીઆઈ હેઠળ ન આવી શકે?
માહિતી આયોગે પોતાના નવા આદેશમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે:
-
ખાનગી સંસ્થા: બીસીસીઆઈ એ ‘તમિલનાડુ સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ’ હેઠળ નોંધાયેલી એક ખાનગી સંસ્થા છે.
-
સરકારી સ્થાપના નથી: આ સંસ્થાની સ્થાપના ન તો બંધારણ દ્વારા થઈ છે અને ન તો સંસદના કોઈ કાયદા દ્વારા કરવામાં આવી છે.
-
સરકારી નિયંત્રણનો અભાવ: બોર્ડ પર સરકારનું કોઈ સીધું કે વ્યાપક નિયંત્રણ નથી.
-
સ્વતંત્ર કમાણી: બીસીસીઆઈ મીડિયા રાઈટ્સ, સ્પોન્સરશિપ અને ટિકિટના વેચાણ દ્વારા પોતે જ કરોડોની કમાણી કરે છે. તેથી તેને મળતી ટેક્સ મુક્તિને સરકારી ફંડિંગ ગણી શકાય નહીં.
માર્કેટ-ડ્રિવન અર્થતંત્ર
આયોગે નોંધ્યું હતું કે બીસીસીઆઈ હવે વૈશ્વિક ક્રિકેટનું આર્થિક કેન્દ્ર બની ગયું છે, જેનો મુખ્ય આધાર ભારતીય બજાર અને આઈપીએલ (IPL) ની સફળતા છે. આવા સમયે તેના પર સરકારી નિયંત્રણો લાદવાથી આ સંતુલિત આર્થિક માળખું ખોરવાઈ શકે છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે રમતગમત મંત્રાલયને ક્રિકેટ બોર્ડ અંગે એક આરટીઆઈ અરજી મળી હતી. ત્યારે મંત્રાલયે માહિતી આપવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે બીસીસીઆઈ એક ખાનગી સંસ્થા છે.
આ નવા આદેશ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જો બીસીસીઆઈને આરટીઆઈ હેઠળ લાવવું હોય, તો સંસદે નવો કાયદો બનાવવો પડશે અથવા સરકારે વિશેષ આદેશ જાહેર કરવો પડશે. જો કે, આયોગે ઉમેર્યું કે રમતગમતમાં નિષ્પક્ષતા લાવવા માટે સરકારી નિયંત્રણ જ જરૂરી નથી, પરંતુ બીસીસીઆઈએ પોતે જ પોતાના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારી જાળવી રાખવી પડશે.
BCCI
