Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

આખરે વિવાદનો અંત: દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મારી બાજી, પ્રભાતભાઈ વાઘેલા બન્યા નવા પ્રમુખ!

આખરે વિવાદનો અંત: દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મારી બાજી, પ્રભાતભાઈ વાઘેલા બન્યા નવા પ્રમુખ!

બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ બે વખત મોકૂફ રહ્યા બાદ, આખરે શનિવારે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પક્ષપલટા અને રાજકીય ડ્રામા વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને પછાડીને શાનદાર બાજી મારી છે.

પ્રમુખ તરીકે પ્રભાતભાઈ અને ઉપપ્રમુખ પદે પાનાબેન વિજેતા

દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે પ્રાંત અધિકારીની હાજરીમાં અને કડક પોલીસ સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરિણામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસના ખેમામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

  • પ્રમુખ: કોંગ્રેસના પ્રભાતભાઈ વાઘેલા પ્રમુખ તરીકે ચૂંટાયા છે.

  • ઉપપ્રમુખ: ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની વરણી કરવામાં આવી છે.

જીત બાદ કોંગ્રેસના કાર્યકરો અને સભ્યોએ ફટાકડા ફોડીને અને વિજેતા ઉમેદવારોને હારતોરા કરીને ભવ્ય ઉજવણી કરી હતી.

અગાઉ બે વખત ચૂંટણી રદ થતાં થયો હતો ભારે હોબાળો

દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણી ભારે વિવાદે ચડી હતી. દિયોદર તાલુકા પંચાયતમાં કુલ 22 સભ્યો છે, જેમાંથી કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 સભ્યોનું સંખ્યાબળ હતું. કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં ચૂંટણી પ્રક્રિયા વારંવાર ટાળવામાં આવી રહી હતી.

  1. પહેલો વિવાદ (25 મે): ભાજપના બે સભ્યો વચ્ચે આંતરિક જૂથબંધી અને માથાકૂટ થતાં સભા માત્ર 20 જ મિનિટમાં રદ કરી ચૂંટણી મોકૂફ રખાઈ હતી.

  2. બીજો વિવાદ (27 મે): ચૂંટણી અધિકારી અચાનક માંદગીનું બહાનું કાઢી પાલનપુરની હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા, જેથી ફરીથી ચૂંટણી અટકી પડી હતી.

આ નાટકીય ઘટનાક્રમ સામે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના સ્થાનિક નેતાઓએ ભાજપ અને પોલીસ તંત્ર પર સત્તાના દુરુપયોગ અને તોડજોડની રાજનીતિનો આક્ષેપ લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મીડિયામાં અહેવાલો આવ્યા બાદ આખરે શનિવારે વહીવટી તંત્રએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડી હતી.

વફાદાર સગર્ભા મહિલા સભ્યનું કરાયું વિશેષ સન્માન

આ ચૂંટણી જીતવા પાછળ કોંગ્રેસના સભ્યોની વફાદારી ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસના નેતા નરસિંહ દેસાઈએ પક્ષના સગર્ભા મહિલા સભ્ય કિંજલબેન ઠાકોરની વફાદારીની પ્રશંસા કરી એક મોટી જાહેરાત કરી છે.

કિંજલબેન પ્રસૂતિની પીડા હોવા છતાં પક્ષને જીતાડવા માટે ત્રણેય વખત સાધારણ સભામાં હાજર રહ્યા હતા. તેમની આ ઈમાનદારી જોઈને નરસિંહ દેસાઈએ જાહેરાત કરી છે કે, કિંજલબેનના આવનારા સંતાનના ભવિષ્યના અભ્યાસનો તમામ ખર્ચ તેઓ પોતે ઉઠાવશે.

સંબંધિત પોસ્ટ્સ

રૂપિયો vs ડૉલર: કેમ રૂપિયો ₹95ને પાર કરી ગયો? જાણો RBIની આગામી રણનીતિ

praxpatel

છોટા ઉદેપુર: ચૂંટણી જાગૃતિના નામે બાળકોને આકરી ગરમીમાં રસ્તા પર ઉતાર્યા, તંત્ર સામે ઉઠ્યા સવાલો

praxpatel

ચૂંટણી ટાણે જનતાનો ‘પાવર’: અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓ ને લોકોએ તગેડી મૂક્યા

praxpatel