ભારતભરમાં ઇમરજન્સી સેવાઓનો ઉપયોગ કરનારા નાગરિકો માટે સુપ્રીમ કોર્ટે એક મોટો અને મહત્વનો આદેશ આપ્યો છે. હવે દેશભરમાં તમામ પ્રકારની આપત્તિઓ અને કટોકટીના સમયે મદદ મેળવવા માટે માત્ર એક જ હેલ્પલાઇન નંબર ‘112’ કાર્યરત રહેશે.
સર્વોચ્ચ અદાલતે બંધારણના આર્ટિકલ 21 હેઠળ નાગરિકોના ‘જીવન જીવવાના અધિકાર’ને ધ્યાનમાં રાખીને આ વચગાળાનો નિર્દેશ જાહેર કર્યો છે. આ વ્યવસ્થા પૂરી કરવા માટે કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 3 મહિનાનો સમય આપ્યો છે.
તમામ ઇમરજન્સી સેવાઓ 112 માં જોડાશે
એક અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને દેશમાં મજબૂત ‘ટ્રોમા કેર સિસ્ટમ’ (Trauma Care System) વિકસાવવા માટે કહ્યું છે.
-
એક જ નંબરમાં એકીકરણ: અત્યાર સુધી ચાલતા અલગ-અલગ હેલ્પલાઇન નંબરો જેવા કે પોલીસ (100), ફાયર બ્રિગેડ (101), એમ્બ્યુલન્સ (102, 108), નેશનલ હાઈવે હેલ્પલાઈન (1033) અને મહિલા હેલ્પલાઈન (1091) ને હવે આગામી 3 મહિનામાં સત્તાવાર રીતે 112 નંબર સાથે જોડી દેવામાં આવશે.
-
કેશલેસ સારવાર: કોર્ટે પીએમ રાહત કેશલેસ સારવાર યોજના (PM Relief Cashless Treatment Scheme) ને પણ યોગ્ય રીતે લાગુ કરવા આદેશ આપ્યો છે.
-
ગુડ સમરિટન સ્કીમ (Good Samaritan Scheme): અકસ્માત સમયે ઘાયલોની મદદ કરનાર વ્યક્તિને કાનૂની પ્રક્રિયામાંથી મુક્તિ આપતી આ યોજનાને પણ વધુ અસરકારક બનાવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કેમ લીધો?
જસ્ટિસ જે. કે. માહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે ‘સેવલાઈફ ફાઉન્ડેશન’ (SaveLife Foundation) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ ચુકાદો આપ્યો છે. આ અરજીમાં માર્ગ અકસ્માત દરમિયાન તાત્કાલિક તબીબી સહાય અને માર્ગ સુરક્ષા સુધારવાની માંગ કરવામાં આવી હતી.
અદાલતે નોંધ્યું કે, રોડ અકસ્માતના કિસ્સામાં સમયસર એક્શન લેવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર સામાન્ય લોકો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની કે સાક્ષી બનવાની બીકે ઇમરજન્સી નંબર પર ફોન કરતાં અચકાતા હોય છે. આ તમામ અડચણો દૂર કરવા માટે એક સમાન વ્યવસ્થા (Uniform Framework) અને લોકજાગૃતિ લાવવી અનિવાર્ય છે.
