Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

‘જૂનાગઢના નાગાબાવા’ના નામે ઠગાઈ કરતી ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, મુદ્દામાલ જપ્ત

: 'જૂનાગઢના નાગાબાવા'ના નામે ઠગાઈ કરતી 'મદારી ગેંગ'નો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં લોકોની ધાર્મિક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ગેરફાયદો ઉઠાવીને સોનાના દાગીના પડાવી લેતી કુખ્યાત ‘મદારી ગેંગ’નો પર્દાફાશ થયો છે. અમદાવાદ સિટી પોલીસના ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) આ ગેંગના મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઇન્ડ) ને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ સાવન નાથ ઉર્ફે ઋષિ સમજુનાથ ભાટી (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે.

બાતમીના આધારે નરોડામાંથી ધરપકડ

ઝોન-7 વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એલસીબી (LCB) ટીમને એક મહત્વની કડી મળી હતી. બાતમી મળી હતી કે એક શખ્સે નરોડા વિસ્તારમાં આધ્યાત્મિક ગુરુ હોવાનો ઢોંગ કર્યો હતો. તેણે એક મહિલા અને પુરુષને ડરાવી-ધમકાવી તેમની પાસેથી સોનાના દાગીના પડાવી લીધા હતા. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે નરોડાના છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી લીધી છે.

‘જૂનાગઢના નાગાબાવા’ બની આખા રાજ્યમાં ઠગાઈ

પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ 21 વર્ષનો યુવક જ ‘જૂનાગઢના નાગાબાવા’ તરીકે ઓળખાતો મુખ્ય ઠગ છે. તે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ-અલગ ભાગોમાં સાધુના વેશમાં સક્રિય હતો. તેની સામે રાજ્યભરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અગાઉથી જ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

આરોપી કયા-કયા જિલ્લાની પોલીસ ચોપડે વોન્ટેડ હતો:

  • અમરેલી જિલ્લાનું પીપવાવ પોલીસ સ્ટેશન.

  • ગીર સોમનાથનું ઉના પોલીસ સ્ટેશન.

  • રાજકોટ રૂરલનું જેતપુર ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન.

  • ગાંધીનગર જિલ્લાનું ચિલોડા પોલીસ સ્ટેશન.

  • સાબરકાંઠા જિલ્લાનું ઈડર પોલીસ સ્ટેશન.

₹1.04 લાખનો મુદ્દામાલ રિકવર

આ ધરપકડથી નરોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ નોંધાયેલા 2 મોટા ગુનાઓ ઉકેલાયા છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 1.04 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જપ્ત કરાયેલી વસ્તુઓની યાદી:

  1. સોનાની 2 કાનની બુટ્ટી.

  2. 1 સોનાની હીરાજડિત વીંટી.

  3. 1 મોબાઈલ ફોન.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ ઘણો જૂનો

પોલીસ તપાસ અનુસાર, આ આરોપી વર્ષ 2015થી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. અગાઉ તેની સામે દહેગામ, રાણીપ, શહેરકોટડા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત, લૂંટ અને હુમલા જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે આરોપી રિમાન્ડ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: AAPએ જાહેર કર્યું સ્ટાર પ્રચારકોનું લિસ્ટ, કેજરીવાલ અને ભગવંત માન ગજવશે સભાઓ

praxpatel

ઘરે દ્રાક્ષમાંથી કઈ રીતે બનાવશો કિશમિશ? જાણો 1 કિલો બનાવવા કેટલી દ્રાક્ષ જોઈએ અને સાચી રીત

praxpatel

ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર

ANIL PATEL