કર્ણાટકના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પણ તેમની સાથે હાજર હતા. સિદ્ધારમૈયા એ જણાવ્યું કે તેમના આ નિર્ણયથી તમામ ધારાસભ્યો એકજૂથ છે. તેમના માટે રાજ્યનું હિત સૌથી ઉપર છે.
હાઈકમાન્ડની ઓફર અને સિદ્ધારમૈયા નો ઇનકાર
પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધારમૈયા એ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ હાઈકમાન્ડે મને રાજ્યસભામાં જવાની સલાહ આપી હતી. પરંતુ મેં ખૂબ જ વિનમ્રતાથી તેને ટાળી દીધી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું:
-
જનતાએ મને 5 વર્ષ માટે ચૂંટ્યો છે.
-
હું કર્ણાટકમાં રહીને જ રાજકારણ કરીશ.
-
હું સક્રિય રાજકારણમાં જ રહીશ.
-
હું કોમવાદી શક્તિઓ સામે લડતો રહીશ.
રાજ્યપાલને સોંપ્યું રાજીનામું
સિદ્ધારમૈયાએ જણાવ્યું કે હાઈકમાન્ડના આદેશ બાદ તેમણે આજે પોતાનું રાજીનામું સોંપી દીધું છે. હાલમાં રાજ્યપાલ બેંગલુરુમાં હાજર નથી. તેઓ આજે મોડી રાત્રે પરત ફરશે. તેથી સિદ્ધારમૈયાએ પોતાનું રાજીનામું રાજ્યપાલના સચિવને સોંપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજ્યપાલ પરત આવીને બંધારણ મુજબ તેમનું રાજીનામું સ્વીકારી લેશે.
હાઈકમાન્ડનો માન્યો આભાર
સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમની પાર્ટી પાસે પૂર્ણ બહુમતી છે. તેથી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા બંધારણીય રીતે આગળ વધશે. તેમણે તક આપવા બદલ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનો દિલથી આભાર માન્યો હતો.
‘મારું જીવન એક ખુલ્લી કિતાબ છે’
પોતાની 50 વર્ષની રાજકીય સફર યાદ કરતા તેમણે કહ્યું, “હું ક્યારેય સત્તા કે પૈસાની પાછળ ભાગ્યો નથી. મેં કોઈ પ્રોપર્ટી બનાવી નથી. માત્ર જનતાની સેવા જ મારા માટે સર્વોપરી છે. મારું રાજકીય જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે.”
