આઈપીએલ ૨૦૨૬ માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના ખૂબ જ નબળા પ્રદર્શન બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. શુક્રવારે લખનૌ ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.
ચાલુ સીઝનમાં લખનૌની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી. ટીમ ૧૪ મેચમાંથી માત્ર ૪ મેચ જીતી શકી હતી, જ્યારે ૧૦ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સે શું કહ્યું?
લખનૌ સુપર જાયન્ટ્સે ટ્વિટર (X) પર ઓફિશિયલ જાહેરાત કરતા લખ્યું:
“લખનૌ સુપર જાયન્ટ્સ ઔપચારિક રીતે જાહેરાત કરે છે કે ઋષભ પંતે ફ્રેન્ચાઇઝી પાસે કેપ્ટનશીપ છોડવાની વિનંતી કરી હતી. ફ્રેન્ચાઇઝીએ આ વિનંતીનો તાત્કાલિક અસરથી સ્વીકાર કર્યો છે.”
ટીમના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીએ જણાવ્યું કે, કેપ્ટન તરીકે ઋષભ પંતે ડ્રેસિંગ રૂમમાં જે યોગદાન આપ્યું છે તેના માટે અમે આભારી છીએ. હવે અમારું ધ્યાન આગામી સમયમાં એક મજબૂત ટીમ બનાવવા પર રહેશે.
૨૭ કરોડની કિંમત પણ ફ્લોપ સાબિત થઈ
આઈપીએલ ૨૦૨૫ ના મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને રૂ. ૨૭ કરોડની રેકોર્ડ કિંમતે ખરીદ્યો હતો. ફ્રેન્ચાઇઝીને તેની પાસેથી ઘણી આશા હતી, પરંતુ પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું.
-
ટીમનું પ્રદર્શન: પંતની આગેવાનીમાં લખનૌની ટીમ ૨૦૨૫ માં પોઈન્ટ ટેબલમાં ૭મા નંબરે અને ૨૦૨૬ માં છેક ૧૦મા એટલે કે છેલ્લા સ્થાને રહી હતી. પંતની કેપ્ટનશીપમાં ટીમ ૨૮ માંથી માત્ર ૧૦ મેચ જીતી શકી અને ૧૮ મેચ હારી હતી.
-
બેટિંગમાં પણ ફ્લોપ: કેપ્ટન બન્યા બાદ પંતે ૨૦૦% આપવાની વાત કરી હતી, પણ તે બેટિંગમાં પણ સંઘર્ષ કરતો દેખાયો. તેણે ૨૦૨૫ માં ૨૬૯ રન અને ૨૦૨૬ ની સીઝનમાં ૩૧૨ રન બનાવ્યા હતા.
હવે LSG નો નવો કેપ્ટન કોણ બનશે?
કેએલ રાહુલ (૨૦૨૨-૨૦૨૪) પછી ઋષભ પંત લખનૌનો બીજો કેપ્ટન હતો. હવે પંતે કેપ્ટનશીપ છોડ્યા બાદ એ સ્પષ્ટ નથી કે તે ટીમમાં એક ખેલાડી તરીકે રહેશે કે નહીં.
લખનૌ સુપર જાયન્ટ્સ પાસે હાલમાં કેપ્ટનશીપ માટે કેટલાક વિદેશી વિકલ્પો ઉપલબ્ધ છે: ૧. મિચેલ માર્શ (Mitchell Marsh) ૨. એડન માર્કરામ (Aiden Markram) ૩. નિકોલસ પૂરન (Nicholas Pooran)
ફ્રેન્ચાઇઝી આગામી સમયમાં ટ્રેડિંગ વિન્ડો દ્વારા અથવા ઓક્શનમાં નવા કેપ્ટનની શોધ કરી શકે છે.
