તમિલનાડુના રાજકારણમાં સોમવારે એક મોટો ગરમાવો આવી ગયો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને હજુ 21 દિવસ જ થયા છે, ત્યાં AIADMK ના ત્રણ ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ આ ત્રણેય નેતાઓ અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) માં સામેલ થઈ ગયા છે.
ત્રણેય ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકર જેસીડી પ્રભાકરને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, જેને સ્પીકરે તાત્કાલિક મંજૂર પણ કરી લીધું છે. રાજીનામું આપ્યા બાદ ત્રણેય નેતાઓ સચિવાલયમાં TVK ના મહાસચિવ અને મંત્રી આધવ અર્જુનને મળ્યા હતા અને વિધિવત રીતે પાર્ટીમાં જોડાયા હતા.
કયા ધારાસભ્યોએ છોડી પાર્ટી?
રાજીનામું આપનારા ત્રણ ધારાસભ્યોમાં નીચેના નેતાઓ સામેલ છે:
-
કે. મરગથા કુમારવેલ (મધુરંતકમ બેઠક)
-
પી. સત્યભામા (ધારાપુર બેઠક)
-
જયકુમાર (પેરુનદુરાઈ બેઠક)
આ ત્રણેય ધારાસભ્યો AIADMK ના બાગી જૂથ ‘એસપી વેલુમણી જૂથ’ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. આ જૂથ ચૂંટણી પરિણામો બાદથી જ વિજયની પાર્ટી TVK ને સમર્થન આપવાની વકાલત કરી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 13 મેના રોજ યોજાયેલા ફ્લોર ટેસ્ટ દરમિયાન પણ આ ત્રણેય ધારાસભ્યોએ પાર્ટીના આદેશ વિરૂદ્ધ જઈને TVK સરકારના સમર્થનમાં વોટ આપ્યો હતો.
AIADMK માટે મોટો આંચકો, ‘હોર્સ ટ્રેડિંગ’ નો આક્ષેપ
ચૂંટણીમાં હાર બાદ AIADMK પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. એક જૂથ પક્ષના વડા એડપ્પાદી પલાનીસ્વામીનું છે, જ્યારે બીજું જૂથ એસપી વેલુમણીનું છે. પરિણામોના ત્રણ અઠવાડિયામાં જ આ ભંગાણ થતાં AIADMK મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
AIADMK ના સાંસદ ઇનબાદુરાઈએ આ ઘટનાને ‘હોર્સ ટ્રેડિંગ’ (ધારાસભ્યોની લે-વેચ) ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, આ TVK નું એક સોચી-સમજી કાવતરું છે. ધારાસભ્યોનું રાજીનામું મંજૂર થાય તે પહેલાં જ તેઓ ઉતાવળમાં TVK માં જોડાઈ ગયા હતા.
DMK એ પણ TVK ને ઘેરી, પેટાચૂંટણીનો બોજ વધશે
આ રાજકીય પલટા પર સત્તાધારી પક્ષ DMK એ પણ તીખી પ્રતિક્રિયા આપી છે. DMK ના સાંસદ પી. વિલ્સને આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે, પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું અને સરકારી સચિવાલયનો ઉપયોગ રાજકીય પક્ષમાં જોડાવા માટે કર્યો, જે અત્યંત આઘાતજનક છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, પોતાના અંગત સ્વાર્થ માટે આ નેતાઓએ જનતા પર નકામી પેટાચૂંટણીઓ થોપી દીધી છે. આનાથી જનતાના પૈસા અને સમયનો બગાડ થશે.
હવે તમિલનાડુમાં 4 બેઠકો પર પેટાચૂંટણી થશે: આ ત્રણ ધારાસભ્યોના રાજીનામા અને મુખ્યમંત્રી વિજયે ખાલી કરેલી ત્રિચી પૂર્વ બેઠક સહિત હવે તમિલનાડુમાં કુલ 4 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
