કર્ણાટક રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બેંગલુરુમાં યોજાયેલી કોંગ્રેસ વિધાયક દળ (CLP) ની બેઠકમાં ડીકે શિવકુમાર (DK Shivakumar) ને સર્વસંમતિથી નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ તેમના કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ પોતે બેઠકમાં ડીકે શિવકુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સ્વીકારી લીધો હતો. આ મહત્વની બેઠક કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલાની હાજરીમાં યોજાઈ હતી. આ પહેલા સિદ્ધારમૈયાએ સીએલપી લીડરના પદેથી રાજીનામું આપી દીધું હતું.
3 જૂને યોજાશે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ
મળતી માહિતી મુજબ, ડીકે શિવકુમાર આગામી બુધવારે એટલે કે 3 જૂનના રોજ સાંજે 4 વાગ્યેને 5 મિનિટે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
-
ક્યાં યોજાશે કાર્યક્રમ? આ શપથ ગ્રહણ સમારોહ લોકભવનના ગ્લાસ હાઉસમાં એક સાદા કાર્યક્રમમાં યોજાશે.
-
કેમ બદલાયું સ્થાન? પહેલા આ કાર્યક્રમ વિધાનસભાના મુખ્ય પગથિયાં પર યોજવાનું નક્કી થયું હતું. પરંતુ ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને હવે આ સમારોહ લોકભવનની અંદર જ રાખવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે શુક્રવારે જ પૂર્વ સીએમ સિદ્ધારમૈયાનું રાજીનામું સ્વીકારીને મંત્રીમંડળ ભંગ કર્યું હતું.
રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો કરશે રજૂ
ડીકે શિવકુમારે શનિવારે લોકભવનમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાથે મુલાકાત કરી હતી. વિધાયક દળની બેઠક પૂરી થયા બાદ હવે તેઓ સત્તાવાર રીતે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા રાજ્યપાલ પાસે જશે.
અગાઉ 28 મેના રોજ સિદ્ધારમૈયાએ કર્ણાટકના સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ હાઈકમાન્ડની સલાહ અને પોતાની મરજીથી પદ છોડી રહ્યા છે. સીએમ બનતા પહેલા ડીકે શિવકુમારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે પણ ખાસ મુલાકાત કરી હતી.
