Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ: મિત્રની બહેનને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર વિજય બાવળવાની ધરપકડ, યુવતી 4 મહિનાની ગર્ભવતી

અમદાવાદના મકરબામાં મિત્રની બહેનને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરનાર પરણિત આરોપી વિજય બાવળવાની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. યુવતી 4 મહિનાની ગર્ભવતી છે.

અમદાવાદના મકરબા વિસ્તારમાં રહેતી એક 21 વર્ષીય યુવતીને લગ્નની ખોટી લાલચ આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવતીએ આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપી વિજય જયરામભાઈ બાવળવાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાઈનો મિત્ર હોવાથી ઘરમાં હતી અવરજવર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિજય બાવળવા ભોગ બનનાર યુવતીના મોટા ભાઈનો મિત્ર હતો. આથી તેનું યુવતીના ઘરે અવારનવાર આવવા-જવાનું થતું હતું.

આ દરમિયાન બંને વચ્ચે પરિચય વધ્યો અને મુલાકાતો ધીમે-ધીમે પ્રેમ સંબંધમાં પરિણમી હતી. એકાદ વર્ષના સમયગાળામાં આરોપીએ યુવતીને લગ્નનો પ્રસ્તાવ મૂકીને તેની સાથે લગ્ન કરવાની પાકી ખાતરી આપી વિશ્વાસ જીત્યો હતો.

ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો, આરોપી પહેલેથી જ પરણિત નીકળ્યો

લગ્નના વાયદાઓ આપ્યા બાદ આરોપી વિજયે છ-સાત મહિના પહેલાં યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ફેબ્રુઆરી 2026માં પણ તેણે યુવતીની ના હોવા છતાં જબરદસ્તી કરી હતી. માર્ચ 2026માં પ્રેગ્નન્સી ટેસ્ટ કરતાં માલૂમ પડ્યું કે યુવતી ગર્ભવતી છે અને હાલ તેને ચાર માસનો ગર્ભ છે.

જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે વિજય બહાના કાઢવા લાગ્યો હતો. શંકા જતાં યુવતી જ્યારે વિજયના ઘરે પહોંચી ત્યારે તેને ખબર પડી કે વિજય અગાઉથી જ પરણિત છે અને તેને 8 વર્ષનું લગ્નજીવન તથા એક દીકરો પણ છે. સત્ય સામે આવ્યા બાદ વિજયે લગ્નનો ઇનકાર કરી યુવતી પર ગર્ભપાત કરાવવાનું દબાણ કર્યું હતું.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ, અગાઉ મર્ડર કેસમાં જેલ જઈ ચૂક્યો છે

આખરે કંટાળીને યુવતીએ પરિવારને આપવીતી જણાવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સરખેજ પોલીસે આરોપી વિજય બાવળવા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી ફોર-વ્હીલર ડ્રાઇવિંગનું કામ કરે છે અને તેનો ગુનાહિત ઇતિહાસ છે. તે વર્ષ 2017માં નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યા (કલમ 302) ના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને હાલ જામીન પર બહાર હતો. ગર્ભપાતના દબાણના આરોપો અંગે પોલીસ હાલ ફરિયાદીની પૂછપરછ કરી વધુ તપાસ ચલાવી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

ફાર્મસી વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે એક્ઝિટ ટેસ્ટ વગર મળશે રજિસ્ટ્રેશન, જાણો શું છે નવો નિયમ

praxpatel

ઈરાન યુદ્ધનો 1 મહિનો: ‘ઈરાન હાર્યા વગર જીતે છે અને ટ્રમ્પ જીત્યા વગર હારે છે?’ – જાણો કોનું પલડું ભારે

praxpatel

કાનપુર: ‘ખૂની’ પાલતુ કૂતરાનો આતંક, પહેલા દાદીને મારી નાખ્યા અને હવે માતાને બચકા ભરી કર્યા લોહીલુહાણ

praxpatel