દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં અવિરત પડી રહેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં પૂરના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાંથી 38,000 થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
નવસારીમાં 15 શ્રમિકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામે ઝીંગાના તળાવમાં છેલ્લા 18 કલાકથી 15 મજૂરો ફસાયેલા હતા.
-
મદદની ગુહાર: ફસાયેલા શ્રમિકોએ વીડિયો બનાવીને મદદ માટે અપીલ કરી હતી.
-
એરલિફ્ટ: ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામ 15 શ્રમિકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
હાલોલ-શામળાજી હાઈવે પર પાણી ભરાયા
પંચમહાલના શહેરા તાલુકામાં રાત્રિ દરમિયાન 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી હાલોલ-શામળાજી હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.
પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર દ્વારા JCB ની મદદથી હાઈવેનું ડિવાઈડર તોડવાની ફરજ પડી હતી.
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના અહેવાલ મુજબ:
-
દિયોદર (વાવ-થરાદ): સવારે બે કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ.
-
અન્ય તાલુકા: ભાભર, ધનસુરા, લીલિયા અને સાંતલપુર તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
-
અમરેલીનું લીલિયા: મફત પ્લોટ વિસ્તારમાં ઘરોમાં ગોઠણસમા પાણી ભરાતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે.
NDRF-SDRF અને સેનાની ટીમો તૈનાત
રાજ્યમાં પૂરની કટોકટીને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પૂરી રીતે સજ્જ છે:
-
સ્થળાંતર અને રેસ્ક્યૂ: 38,653 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે અને 5,547 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.
-
તૈનાત ટીમો: NDRF અને SDRFની 49 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત છે.
-
આર્મી અને એરફોર્સ: અમદાવાદ, નવસારી અને વલસાડમાં ભારતીય સેનાની 2-2 ટીમો તેમજ વડોદરામાં એરફોર્સની ટીમ બચાવ કામગીરી કરી રહી છે.
-
કોસ્ટ ગાર્ડ: નવસારી, વલસાડ અને તાપીમાં એરિયલ સર્વે અને બીલીમોરા-ગણદેવીમાં બોટ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
