લગ્નની નોધણી સુધારા કાયદાની જાણકારી આપતા હર્ષ સંઘવી કહ્યું કે, કોઈ સલીમ સુરેશ બનીને ભોળી દીકરીઓને ફસાવશે તો બિલકુલ ચલાવી લેવામાં નહી આવે
ભાગેડું લગ્ન અટકાવવા માટે નવો નિયમ
ભાગેડું લગ્ન અટકાવવા માટે 2019માં કડી ખાતે 5000 મહિલાઓએ રેલી કાઢીને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું. મહેસાણામાં ચોર્યાસી સમાજના સંકુલમાં 400થી વધુ સમાજના લેટરપેડ પર મુખ્યમંત્રીને સુધારા માટે આવેદન અપાયું હતું. તે બાદ મહેસાણા, દિયોદર, જસદણ, હિંમતનગર, સિહોરી, વિજાપુર, માણસા અને સુરેન્દ્રનગર ખાતે રેલીઓ યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.
રેલીઓ બાદ પાસની ટીમ અને સર્વ સમાજના આગેવાનોએ ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ કરીને જનસમર્થન મેળવવાની શરૂઆત કરી હતી. આ ઝુંબેશના એક ભાગ રૂપે દીકરીઓને સમજાવીને માતા-પિતા કહે ત્યાં જ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી હતી.
ત્યારે હવે સામાજિક પ્રેશર વધતા લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા વિધાનસભામાં રજૂ કરી દેવાયા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમને પ્રેમથી કોઈ વાંધો નથી પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહીં છોડીએ. સૂચિત સુધારા મુજબ હવે લગ્ન નોંધણીની અરજી કરશો તો માતા-પિતાને જાણ કરાશે, અરજી કર્યાના 40માં દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે. તો આવો જાણીએ કે લગ્ન નોંધણીના સૂચિત સુધારા કેવા હશે…
છોકરીના માતા-પિતાને 10 દિવસમાં સત્તાવાર માહિતી આપવી પડશે: સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમ લગ્નોની વિરોધી નથી, પરંતુ યુવતીઓની સુરક્ષા, પારદર્શિતા અને કાનૂની પ્રક્રિયા મજબૂત બનાવવા માટે લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા જરૂરી બન્યા છે. સુધારાના પ્રસ્તાવ મુજબ હવે પ્રેમ લગ્નની નોંધણી વખતે જરૂરી દસ્તાવેજોની કડક ચકાસણી કરવામાં આવશે. છોકરીના માતા-પિતાને લગ્ન અંગે 10 દિવસની અંદર સત્તાવાર માહિતી આપવી ફરજિયાત રહેશે. સાથે જ માતા-પિતાના આધાર કાર્ડ અને સાચા સરનામાની વિગતો પણ નોંધણી પ્રક્રિયામાં સામેલ કરાશે.
‘પ્રેમ લગ્નની નોંધણી માટે અલગ પોર્ટલ પણ શરૂ કરાશે’
નવા નિયમો હેઠળ કન્યા અને વરરાજા સાથે રહેલા સાક્ષીઓની સંપૂર્ણ માહિતી, તેમના ફોટોગ્રાફ અને આધાર કાર્ડની નકલ આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. કોર્ટમાં સરકાર આધારિત નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં પ્રેમ લગ્નોની નોંધણી માટે અલગ ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાની પણ તૈયારીમાં છે, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ટ્રેક કરી શકાય તેવી બને.

‘દહેજ કે મિલકત મામલે હેરાન કરાશે તો કડક કાર્યવાહી’
હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે લગ્ન પછી દહેજ અથવા મિલકતના મુદ્દે યુવતીને હેરાન કરવામાં આવશે તો તેવા કેસોમાં ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરશે. સરકારનો હેતુ યુવતીઓની સુરક્ષા અને કાયદાકીય રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. આ સુધારા રજૂ થતાં ગૃહમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની સંભાવના છે.

લગ્ન નોંધણી અંગે વાંધા-સૂચનો મંગાયા
ગુજરાત વિધાનસભામાં નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રીએ જાહેર અગત્યની બાબતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલ વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાત Registration of Marriages Rules હેઠળ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ સુધારાઓ અંગે જાહેરમાંથી વાંધા-સૂચનો માંગવામાં આવશે અને મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ અંતિમ સ્વરૂપના નવા નિયમો અમલમાં મૂકવામાં આવશે, જેથી લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ પારદર્શક અને સુગમ બને.
