લંડનની એક આલીશાન હોટલમાં સાઉદી અરેબિયાના રાજકુમારના થયેલા રહસ્યમય મોત અંગે મોટો ખુલાસો થયો છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ટાક્ષિકોલોજી (Toxicology) રિપોર્ટ અનુસાર, દારૂ અને ખતરનાક ડ્રગ્સના ઓવરડોઝના કારણે રાજકુમારનું મોત થયું હતું.
ગત વર્ષે 25 નવેમ્બરે વેસ્ટ લંડનની મેરિયટ હોટલના રૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
રિપોર્ટમાં કઈ બાબતો સામે આવી?
ઇનર વેસ્ટ લંડન કોરોનર કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સામે આવ્યું કે, 29 વર્ષીય પ્રિન્સ અબ્દુલ્લા બિન ફહદના શરીરમાંથી દારૂ અને વિવિધ પ્રકારના નશાકારક પદાર્થો મળી આવ્યા હતા:
-
દારૂનું પ્રમાણ: ડ્રાઇવિંગ માટે નક્કી કરાયેલી કાનૂની મર્યાદા કરતાં 3 ગણું વધુ દારૂનું પ્રમાણ મળ્યું હતું.
-
પાર્ટી ડ્રગ્સ: તેમના શરીરમાંથી ‘GHB’ નામનું ખતરનાક પાર્ટી ડ્રગ મળી આવ્યું હતું.
-
અન્ય નશાકારક પદાર્થો: ભાંગ (Cannabis), એન્ગ્ઝાયટીની દવા ઝેનેક્સ (Xanax) અને અન્ય દવાનો ઓવરડોઝ મળ્યો હતો.
આ તમામ પદાર્થોના કોકટેલને કારણે તેમને ગંભીર કાર્ડિયાક એરેસ્ટ (હાર્ટ એટેક) આવ્યો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
નશાની લતથી પીડાતા હતા રાજકુમાર
તપાસ અનુસાર, સાઉદી રાજકુમાર લાંબા સમયથી દારૂ અને એન્ગ્ઝાયટીની દવાઓની લતથી ઝઝૂમી રહ્યા હતા.
-
મોતના ત્રણ મહિના પહેલા તેમણે રોહેમ્પટનની પ્રાયરી ક્લિનિકમાં નશો છોડાવવા માટે (Detox) સારવાર લીધી હતી. આ ક્લિનિકનો એક સપ્તાહનો ખર્ચ આશરે 35,000 યુરો હતો.
-
ત્યારબાદ તેમણે રેનફોર્ડ હોલ ક્લિનિકમાં પણ સારવાર કરાવી હતી અને 14 ઓક્ટોબરે તેમને રજા આપવામાં આવી હતી.
ઘટના કેવી રીતે બની?
રાજકુમાર 19 નવેમ્બરે લંડનની મેરિયટ હોટલમાં એક સપ્તાહ માટે રોકાયા હતા.
-
મોતના એક દિવસ પહેલા રાત્રે તેઓ બહાર સિગારેટ પીતા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા હતા.
-
બીજા દિવસે જ્યારે હોટલના હાઉસકીપિંગ સ્ટાફે રૂમ ખોલ્યો ત્યારે તેઓ બાથરૂમના ફ્લોર પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
-
પરામેડિક્સની ટીમે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોડું થઈ ચૂક્યું હતું.
પોલીસ તપાસ અનુસાર, રૂમ અંદરથી બંધ હતો અને કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી કે હત્યાનો પુરાવો મળ્યો નથી. તેમજ આત્મહત્યાના પણ કોઈ સંકેત મળ્યા નથી.
