ભારતના પ્રાઇવેટ સ્પેસ સેક્ટર (ખાનગી અંતરિક્ષ ક્ષેત્ર) માટે એક ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે. ભારતની ખાનગી સ્પેસ કંપની ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ (Skyroot Aerospace) તેનું વિક્રમ-૧ (Vikram-1) રોકેટ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ રોકેટ ટેકનિકલ પેલોડની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ખાસ સંદેશ પણ અંતરિક્ષમાં લઈ જશે. પીએમ મોદીએ પોતાના હાથે લખેલો ‘વંદે માતરમ્’ નો પોસ્ટકાર્ડ આ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે.
શું છે ‘મિશન આગમન’?
આ ખાસ લોન્ચિંગને ‘મિશન આગમન’ (Mission Aagaman) નામ આપવામાં આવ્યું છે. આ ભારતીય ધરતી પરથી કોઈ ખાનગી કંપની દ્વારા વિકસિત રોકેટને ઓર્બિટ (કક્ષા) માં પહોંચાડવાનો પ્રથમ પ્રયાસ છે. આ રોકેટ ૧૮ જુલાઈના રોજ શ્રીહરિકોટાથી ઉડાન ભરશે.
અન્ય મહાનુભાવોના સંદેશા પણ જશે અંતરિક્ષમાં
પીએમ મોદીના પોસ્ટકાર્ડ સિવાય આ રોકેટમાં ઇસરો (ISRO) ના વર્તમાન અને પૂર્વ અધ્યક્ષો, ભારતીય અંતરિક્ષ યાત્રીઓ, વૈજ્ઞાનિકો અને સ્કાયરૂટની ટીમના સભ્યોના હસ્તલિખિત પોસ્ટકાર્ડ પણ મોકલવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ મિશન ભારતના ઝડપથી વધી રહેલા સ્પેસ સેક્ટર અને તેમાં યોગદાન આપનારા લોકોને સમર્પિત છે.
રોકેટમાં કયા પેલોડ જશે?
વિક્રમ-૧ રોકેટમાં હસ્તલિખિત સંદેશાઓ સિવાય ઘણા મહત્વના ટેકનિકલ પેલોડ પણ મોકલવામાં આવી રહ્યા છે. જેમાં ગ્રાહા સ્પેસ (Grahaa Space), કોસ્મોસર્વ (Cosmoserve), ડી-ક્યુબ્ડ (DCubed) અને સ્કાયરૂટનો પોતાનો સ્કોપ (SCOPE) પેલોડ સામેલ છે. આ સિવાય માઈક્રો-આર્ટ પેલોડ પણ અંતરિક્ષમાં જશે.
જાણો વિક્રમ-૧ રોકેટ વિશે
-
આ સ્કાયરૂટ કંપનીનું બીજું અંતરિક્ષ મિશન છે. આ પહેલા નવેમ્બર 2022માં કંપનીએ ‘વિક્રમ-એસ’ રોકેટનું સફળ સબઓર્બિટલ લોન્ચિંગ કર્યું હતું.
-
વિક્રમ-૧ રોકેટ આશરે ૭ માળની ઈમારત જેટલું ઊંચું છે.
-
તે લો અર્થ ઓર્બિટ (LEO) માં ૩૫ ૦ કિલોગ્રામ સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે.
-
આ રોકેટ સંપૂર્ણપણે કાર્બન કમ્પોઝિટથી બનેલું છે, જેમાં ૩ડી પ્રિન્ટેડ રોકેટ એન્જિનનો ઉપયોગ કરાયો છે.
