ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શુક્રવાર, 8 મે 2026 ના રોજ ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ આઇલૅન્ડ પરથી MIRV (મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ) ટૅક્નોલૉજીથી સજ્જ ઍડ્વાન્સ ‘અગ્નિ’ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સફળતા સાથે ભારત હવે વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેઓ એક જ મિસાઇલ દ્વારા અલગ-અલગ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ સર્જી છે. DRDO દ્વારા વિકસિત અને MIRV સિસ્ટમથી સજ્જ અગ્નિ મિસાઇલનું સફળ ફ્લાઇટ-ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ દરમિયાન મિસાઇલે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ફેલાયેલા વિવિધ લક્ષ્યોને અત્યંત ચોકસાઇપૂર્વક વીંધ્યા હતા.
શું છે MIRV ટૅક્નોલૉજીની તાકાત?
સામાન્ય મિસાઇલ માત્ર એક જ લક્ષ્ય પર પ્રહાર કરે છે, જ્યારે MIRV ટૅક્નોલૉજી ભારતની શક્તિમાં અનેકગણો વધારો કરે છે:
-
એક જ મિસાઇલ, અનેક હથિયાર: આ ટૅક્નોલૉજીની મદદથી એક જ મિસાઇલ દ્વારા અનેક પરમાણુ હથિયારો લઈ જઈ શકાય છે.
-
સ્વતંત્ર નિશાન: મિસાઇલમાંથી છૂટા પડતા દરેક હથિયારને અલગ-અલગ દુશ્મન લક્ષ્યો પર સ્વતંત્ર રીતે ત્રાટકવા માટે સેટ કરી શકાય છે.
-
સુરક્ષા કવચ ભેદવામાં સક્ષમ: એકસાથે અનેક હથિયારો અલગ દિશામાં છોડાતા હોવાથી દુશ્મનની એન્ટી-મિસાઇલ સિસ્ટમ માટે તેને રોકવું અશક્ય બની જાય છે.
વ્યૂહાત્મક સરસાઈ
રક્ષામંત્રી રાજનાથ સિંહે આ સફળતા બદલ DRDO અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ સિદ્ધિ વધતા જતાં જોખમો સામે દેશની સંરક્ષણ સજ્જતામાં અતુલ્ય ક્ષમતા ઉમેરશે. ખાસ કરીને ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો સામે ભારતની આ પરમાણુ પ્રતિરોધક ક્ષમતા એક મજબૂત સુરક્ષા કવચ સાબિત થશે.
