મુંબઈ: જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મોટા સમાચાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ તાજેતરમાં EGR (ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ) સિસ્ટમ લોન્ચ કરી છે. આ નવી સિસ્ટમ દ્વારા હવે રોકાણકારો પોતાના ડીમેટ એકાઉન્ટથી જ અસલી સોનું ખરીદી શકશે.
શું છે આ EGR સિસ્ટમ?
EGR એ એક ડિજિટલ સર્ટિફિકેટ જેવું છે, જે ભૌતિક સોનાનું પ્રતિનિધિત્વ કરે છે. જેવી રીતે તમે શેર ખરીદો છો, તેવી જ રીતે આ સોનું તમારા ડીમેટ એકાઉન્ટમાં જમા થશે. જ્યારે તમારું અસલી સોનું કોઈ સુરક્ષિત વોલ્ટ (તિજોરી) માં સાચવીને રાખવામાં આવશે. આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે જરૂર પડ્યે તમે આ ડિજિટલ ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડ (સોનાના સિક્કા કે લગડી) માં પણ બદલાવી શકો છો.
શુદ્ધતા અને કિંમતની ચિંતાનો આવશે અંત
સામાન્ય રીતે અલગ-અલગ શહેરો કે જ્વેલર્સ પાસે સોનાના ભાવ અને શુદ્ધતા અલગ-અલગ હોય છે. પરંતુ EGR સિસ્ટમમાં:
-
સોનાની શુદ્ધતા સંપૂર્ણપણે સ્ટાન્ડર્ડ હશે (999 અને 995 શુદ્ધતા).
-
સમગ્ર દેશમાં પારદર્શક કિંમતે સોનું ખરીદી શકાશે.
-
જ્વેલર્સ પર નિર્ભર રહેવાની કે મેકિંગ ચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
નાના રોકાણકારો માટે સુવર્ણ તક
હવે સોનામાં રોકાણ કરવા માટે લાખો રૂપિયાની જરૂર નથી. રોકાણકારો માત્ર 100 મિલીગ્રામ સોનાથી પણ રોકાણની શરૂઆત કરી શકે છે, જેની કિંમત આશરે 1500 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
ચોરી અને લોકરના ખર્ચમાંથી મુક્તિ
સોનાને ઘરે સાચવવાની કે બેંક લોકરમાં રાખવાની ચિંતા હવે રહેશે નહીં. સોનું એક્સચેન્જ દ્વારા સુરક્ષિત વોલ્ટમાં રાખવામાં આવતું હોવાથી ચોરીનો ડર પણ રહેશે નહીં અને લોકરના ખર્ચની પણ બચત થશે.
નિષ્ણાતોના મતે, આ સિસ્ટમ ભારતના ગોલ્ડ માર્કેટમાં મોટું પરિવર્તન લાવશે અને રોકાણકારો માટે સોનું ખરીદવું શેર ખરીદવા જેટલું જ સરળ બની જશે.
