કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાંથી એક ખૂબ જ આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં રવિવારે આવેલી વેંકટપુરા નદીમાં ડૂબી જવાથી 7 મહિલાઓ સહિત કુલ 8 લોકોના કરુણ મોત થયા છે. આ ભયાનક અકસ્માત ભટકલ તાલુકાના શિરાલીના ટટ્ટી હક્કલ વિસ્તારમાં સર્જાયો હતો. નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં આ મોટી હોનારત સર્જાઈ હતી.
પરંપરાગત વ્યવસાય માટે ગયા હતા 14 લોકો
મળતી માહિતી મુજબ, સ્થાનિક વિસ્તારના 14 લોકો વેંકટપુરા નદીમાં છીપલાં વીણવા માટે ગયા હતા. નદી અને દરિયાકાંઠાની આસપાસ રહેતા પરિવારો માટે આજીવિકા મેળવવાનો આ એક પરંપરાગત વ્યવસાય છે.
પરંતુ, કામ દરમિયાન નદીમાં અચાનક પાણીનું સ્તર વધી ગયું હતું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તમામ લોકો તેમાં તણાઈ ગયા હતા.
8 લોકોના મોત અને સર્ચ ઓપરેશન ચાલુ
આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 મહિલાઓ અને 1 પુરુષ સહિત કુલ 8 લોકોના શવ મળી આવ્યા છે. નદીના તેજ પ્રવાહમાં વહી ગયેલા લોકોમાંથી હજુ પણ એક મહિલા અને એક પુરુષ ગુમ છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે સ્થાનિક વહીવટતંત્ર દ્વારા નદીમાં મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
VIDEO | Uttara Kannada: Ten people are feared dead after drowning in the Bhatkal river in Uttara Kannada district. Search and rescue operations are currently underway. pic.twitter.com/XpLV18rQnU
— Press Trust of India (@PTI_News) May 24, 2026
4 લોકોનો બચાવ, પોલીસ તપાસ શરૂ
નદીમાં ડૂબી રહેલા લોકોમાંથી 4 લોકોને સ્થાનિક રહેવાસીઓ અને બચાવ ટુકડીની મદદથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ભટકલ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તમામ મૃતકોના પીએમ (Postmortem) માટે ભટકલ તાલુકા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ મામલે ભટકલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
