રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે હાઇકોર્ટ ની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીએ ફરી એકવાર જોર પકડ્યું છે. આ મુદ્દે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ બાર એસોસિએશનો એકજૂથ થયા છે. તેમણે કોર્ટ કામકાજથી અલિપ્ત રહીને એક દિવસની પ્રતીક હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો છે.
વકીલોએ પાડી પ્રતીક હડતાળ, આવેદનપત્ર સોંપ્યું
તાજેતરમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લા તથા તાલુકા બાર એસોસિએશનના હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
-
આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ વકીલોએ એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું નક્કી કર્યું હતું.
-
વકીલોએ ઇમરજન્સી સિવાયના તમામ કામકાજથી દૂર રહીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.
-
રાજકોટ કલેક્ટર તેમજ વિવિધ તાલુકાઓમાં ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા.
શા માટે થઈ રહી છે રાજકોટ હાઈકોર્ટ બેન્ચની માગ?
સૌરાષ્ટ્ર અને કચ્છના આશરે બે કરોડ લોકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટ સુધી લાંબા થવું પડે છે.
-
અંતર અને સમય: ગીર સોમનાથ, અમરેલી કે કચ્છથી અમદાવાદનું અંતર ઘણું વધારે છે.
-
સરળ ન્યાય: જો રાજકોટમાં હાઇકોર્ટની એક બેન્ચ શરૂ થાય, તો લોકોને નજીકમાં અને ઝડપથી ન્યાય મળી શકે.
આંદોલન વધુ તેજ કરવાની ચીમકી
બાર એસોસિએશનના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં સરકારને ચેતવણી આપી છે.
બાર એસોસિએશનનું નિવેદન: “જો આગામી દિવસોમાં રાજકોટને હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગણી સંતોષવામાં નહીં આવે, તો અમે ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળો, સામાજિક સંગઠનો અને સ્થાનિક પ્રજાને સાથે રાખીને આંદોલન વધુ તેજ બનાવીશું.”
