ગિરસોમનાથના પવિત્ર યાત્રાધામ સોમનાથમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમનાથના દરિયા કિનારે અચાનક આવેલા ઊંચા મોજાના કારણે ત્રણ પ્રવાસીઓ દરિયામાં ડૂબ્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસની તત્પરતાને કારણે બે યાત્રિકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. જ્યારે એક પ્રવાસીની શોધખોળ હજુ પણ ચાલુ છે.
દર્શન કર્યા બાદ દરિયા કિનારે ફરવું ભારે પડ્યું
મહારાષ્ટ્રના સોલાપુરથી શ્રદ્ધાળુઓનો એક સંઘ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યો હતો. ભગવાન ભોળાનાથના દર્શન કર્યા બાદ તમામ પ્રવાસીઓ દરિયા કિનારે ફરવા માટે ગયા હતા. પ્રવાસીઓ દરિયા કિનારે મોજાની મજા માણી રહ્યા હતા. તે દરમિયાન સમુદ્રમાં અચાનક એક મોટું અને ઊંચું મોજું આવ્યું હતું. આ મોજાની ઝપટે ચડી જતાં ત્રણ યાત્રિકો જોતજોતામાં ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા.
સ્થાનિકો અને પોલીસે દેવદૂત બની 2 જીવ બચાવ્યા
દરિયામાં પ્રવાસીઓને ડૂબતા જોઈને કિનારે ઉભેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક માછીમારો, લાઈફ ગાર્ડ અને પોલીસની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ બે પ્રવાસીઓને સમુદ્રમાંથી જીવતા બહાર કાઢી લીધા હતા. આ બંને યાત્રિકોનો આબાદ બચાવ થયો છે.
1 પ્રવાસી હજુ પણ લાપત્તા: સર્ચ ઓપરેશન શરૂ
આ દુર્ઘટનામાં ભોગ બનેલા ત્રણ પૈકી બે લોકોને બચાવી લેવાયા છે. પરંતુ એક યાત્રિક હજુ પણ લાપત્તા છે. પોલીસ અને સ્થાનિક બચાવ ટુકડીઓ દ્વારા દરિયાના મોજાં વચ્ચે ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રવાસીઓની સુરક્ષા સામે ફરી ઉઠ્યા સવાલો
આ ઘટનાને પગલે સોમનાથ પ્રશાસન અને દરિયા કિનારે પ્રવાસીઓની સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા અવારનવાર દરિયાના કરંટને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને ઊંડા પાણીમાં ન જવા ચેતવણી આપવામાં આવે છે. આમ છતાં, લોકો જોખમ વહોરી લેતા હોય છે જે આવી મોટી દુર્ઘટનાઓનું કારણ બને છે.
