અમદાવાદ શહેરમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આવા સમયે રસ્તા પર રહેતા ઘરવિહોણા અને નિરાશ્રિત લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. આ સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ વિભાગે એક અખબારી યાદી જાહેર કરી છે. તંત્રએ પોતાની વાહવાહી લૂંટવાનો પ્રયાસ કર્યો છે. જો કે આ કામગીરી પાછળ ગ્રાઉન્ડ રિયાલિટીનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે.
80 ટકા ઓક્યુપેન્સીનો દાવો, પણ લોકેશન ક્યાં?
AMCના દાવા મુજબ શહેરમાં અત્યારે 35 શેલ્ટર હોમ્સ કાર્યરત છે. આ આશ્રયગૃહોમાં કુલ 4315 લોકોની ક્ષમતા છે. હાલ તેમાં 80 ટકા જેટલી ઓક્યુપેન્સી હોવાનો દાવો પણ કરાયો છે. તંત્ર એવું કહી રહ્યું છે કે તેઓ આશ્રિતોને ORS આપીને હાઈડ્રેટ રાખે છે. સાથે જ ત્યાં નિયમિત મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવે છે.
પરંતુ અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે, જો કોઈ ગરીબ કે નિરાશ્રિત વ્યક્તિ ગરમીથી બચવા શેલ્ટર હોમનો આશરો લેવા માંગતી હોય, તો તેણે જવું ક્યાં? સરકારી યાદીમાં આંકડાઓની માયાજાળ તો ગોઠવવામાં આવી છે. પરંતુ અમદાવાદના કયા વિસ્તારમાં આ શેલ્ટર હોમ આવેલા છે તેની કોઈ જ વિગત આપવામાં આવી નથી.
વાસણા સિવાય બાકીના 34 શેલ્ટર હોમ કયા વિસ્તારમાં?
AMCએ પશ્ચિમ ઝોનના માત્ર એક ‘વાસણા આશ્રયગૃહ’નો જ ઉલ્લેખ કર્યો છે. ત્યાં 11 લોકોને રોજગારી આપ્યાની અને નાઈટ ડ્રાઈવ કરીને 53 લોકોને શિફ્ટ કર્યાની પીઠ થાબડવામાં આવી છે. પરંતુ બાકીના 34 શેલ્ટર હોમ શહેરના કયા ખૂણે આવેલા છે, તેની કોઈ યાદી જાહેર કરાઈ નથી. કોઈ સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો નથી. માહિતીના આ અભાવને કારણે જરૂરિયાતમંદ લોકો નજીકના આશ્રયગૃહ સુધી પહોંચી શકતા નથી.
સાચી સેવા કે માત્ર અધિકારીઓની વાહવાહી?
એક તરફ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ શેલ્ટર હોમ્સની મુલાકાતો લઈ રહ્યા છે. અધિકારીઓ અંગત દેખરેખ રાખતા હોવાના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવી રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી જાહેર થયેલી માહિતીમાંથી જ લોકેશન ગાયબ છે. આથી આ કામગીરી માત્ર કાગળ પર કે અધિકારીઓના ફોટા પૂરતી જ સીમિત હોય તેવું દેખાઈ રહ્યું છે.
જો તંત્ર ખરેખર નિરાશ્રિતો પ્રત્યે સંવેદનશીલ હોય, તો તેમણે તમામ 35 શેલ્ટર હોમના સરનામા જાહેર કરવા જોઈએ. વિસ્તાર વાઈઝ વિગતો આપવી જોઈએ જેથી લોકોને તેનો સાચો લાભ મળી શકે.
