નવી દિલ્હી: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મોટી કાર્યવાહી કરી છે. NIA એ આ આતંકી હુમલાના કેસમાં વધુ ૩ આરોપીઓ વિરુદ્ધ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે. આ બોમ્બ બ્લાસ્ટમાં ૧૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના ૩ આતંકીઓ સામે કાર્યવાહી
NIA એ પોતાની ચાર્જશીટમાં તુફૈલ અહેમદ ભટ, મુઝફ્ફર અહેમદ ઉર્ફે ફરાજ અને ઝમીર અહેમદ આહંગરને આરોપી બનાવ્યા છે. આ ત્રણેય આરોપીઓ જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. આ નવા નામો ઉમેરાતા જ આ કેસમાં ચાર્જશીટ કરાયેલા કુલ આરોપીઓની સંખ્યા હવે ૧૩ પર પહોંચી ગઈ છે.
ફરાર મુખ્ય કાવતરાખોર મુઝફ્ફર કોણ છે?
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ફરાર આરોપી મુઝફ્ફર અહેમદ વ્યવસાયે બાળ રોગ નિષ્ણાત (Pediatrician) ડોક્ટર છે. તેણે MBBS અને MD નો અભ્યાસ કર્યો છે. મુઝફ્ફર અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન ‘AGuH Interim’ નો સ્થાપક સભ્ય છે. તેણે અન્ય આતંકીઓ સાથે મળીને ૧૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ લાલ કિલ્લા પાસે કાર બોમ્બ બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું.
સીક્રેટ લેબમાં આઈઈડી (IED) બનાવતો હતો
NIA ના રિપોર્ટ મુજબ, જૂન ૨૦૨૨ માં શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં એક સીક્રેટ મીટિંગ થઈ હતી, જેમાં આ મોડ્યુલ તૈયાર કરાયું હતું. ડો. મુઝફ્ફર ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં ચાલતા એક ગુપ્ત સેન્ટરમાં વિસ્ફોટકો (IED) બનાવવા અને તેનું ટેસ્ટિંગ કરવામાં સક્રિય રીતે સામેલ હતો. હાલ તેની સામે બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કરાયું છે.
હથિયાર અને ફંડિંગની વ્યવસ્થા કરતા હતા આરોપીઓ
અન્ય આરોપી ઝમીર આ મોડ્યુલ માટે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતો હતો. તે આતંકી હેન્ડલર્સના સંપર્કમાં રહીને હથિયારો અને કેશ પહોંચાડતો હતો. જ્યારે તુફૈલ અહેમદ ભટે આ મોડ્યુલ માટે ક્રિન્કોવ રાઇફલ, AK-47 અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સપ્લાય કર્યા હતા. આ હથિયારો તેણે મુખ્ય આરોપી ડો. ઉમરને ૩ લાખ રૂપિયામાં આપ્યા હતા.
યુએપીએ (UAPA) હેઠળ ગુનો દાખલ
નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટ મુજબ, આ આતંકીઓ સામે UAPA અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. NIA એ જિયો-લોકેશન મેપિંગ, ફોરેન્સિક તપાસ અને ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનના આધારે આ આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે.
