અમદાવાદના વટવા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના બચુભાઈ કૂવા પાસે રહેતા કોંગ્રેસ કાર્યકર વિશાલ સરોજ અને તેમના પરિવાર પર કેટલાક અસામાજિક તત્વોએ ઘાતકી હુમલો કર્યો છે.
શેરીમાં રિક્ષા ધીમી ચલાવવા અને જાહેરમાં નશાનું સેવન ન કરવા માટે ટકોર કરતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. હુમલાખોરોએ ધારિયા અને ચપ્પા જેવા ઘાતક હથિયારો વડે પરિવારને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.
શું છે સમગ્ર વિવાદ?
ફરિયાદ અનુસાર, આ ઘટના ૨ જૂનના રોજ સાંજના સમયે બની હતી:
-
રિક્ષા સ્પીડમાં ચલાવી: ધનરાજ ઉર્ફે તખુ નામનો શખ્સ પોતાની ઓટો રિક્ષા લઈને સોસાયટીની ગલીમાંથી ખૂબ જ ઝડપે પસાર થઈ રહ્યો હતો.
-
લોકોએ ટકોર કરી: ગલીમાં કોઈ અકસ્માત ન થાય તે માટે ત્યાં ઉભેલા લોકોએ તેને રિક્ષા શાંતિથી ચલાવવા કહ્યું હતું.
-
ગાળો બોલવા લાગ્યો: આ વાતની અદાવત રાખીને તખુ થોડીવારમાં પાછો આવ્યો અને હનુમાનજીના મંદિરે બેસીને જાહેરમાં ગાળો બોલવા લાગ્યો. જ્યારે ફરિયાદી વિશાલ સરોજ તેને સમજાવવા ગયા, ત્યારે તે વધુ ઝઘડો કરવા લાગ્યો હતો.
ત્રણ ભાઈઓએ ભેગા મળીને કર્યો હુમલો
ઝઘડો વધતા વિશાલનો નાનો ભાઈ વિનય સરોજ વચ્ચે બચાવ કરવા પડ્યો હતો. આ જોઈને તખુએ ફોન કરીને તેના ભાઈઓ નરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને અન્ય એક અજાણ્યા માણસને બાઈક પર બોલાવી લીધા હતા.
આ ચારેય જણાએ ભેગા મળીને બંને ભાઈઓને માર મારવાનું શરૂ કર્યું. તે દરમિયાન નરેન્દ્રસિંહ ઝાલાએ પોતાની પાસે રહેલું ઘાતક ‘કુકરી ચાકુ’ કાઢીને વિનયના માથાના ભાગે ઝીંકી દીધું હતું. વિશાલ વચ્ચે પડતા તેનો જીવ બચ્યો હતો, પરંતુ વિનય લોહીલુહાણ થઈ ગયો હતો.
‘હવે રોકશો તો જાનથી જશો’ ની ધમકી
ગલીમાં બૂમાબૂમ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોને આવતા જોઈને ચારેય હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. ભાગતી વખતે આરોપી નરેન્દ્રસિંહે ધમકી આપી કે, “હવે પછી જો મારી રિક્ષા રોકી છે તો જાનથી મારી નાખીશ.”
માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે વિનયને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. તેના માથામાં ૧૧ ટાંકા આવ્યા છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે કડક કલમો હેઠળ ૩ આરોપી પકડ્યા
આ ઘટના બાદ વટવા પોલીસ સ્ટેશને તાત્કાલિક એક્શન લીધા છે. પોલીસે નવા કાયદા (BNS) ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધીને ૩ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે વટવા વિસ્તારના સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને અસામાજિક તત્વો સામે કડક સજાની માંગણી કરવામાં આવી રહી છે.
< /p>
