જો તમે કોઈ બેંકમાંથી પર્સનલ લોન, કાર લોન કે હોમ લોન લીધી છે અને કોઈ કારણસર તેની EMI ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે, તો તમારા માટે રાહતના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ લોનની વસૂલાત (Loan Recovery) માટે બેંકો અને રિકવરી એજન્ટો દ્વારા કરવામાં આવતી મનમાની પર લગામ કસવા માટે એક નવો અને કડક પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે બેંકો લોન વસૂલવા માટે ગ્રાહકોના મોબાઈલ ફોન કે ટેબ્લેટ બ્લોક કરી શકશે નહીં.
કઈ સ્થિતિમાં ફોન બ્લોક થઈ શકે? જાણો 90 દિવસનો નિયમ
RBI એ આ નિયમમાં એક મહત્વની શરત રાખી છે. બેંક માત્ર ત્યારે જ કોઈ મોબાઈલ ડિવાઈસને બ્લોક કે રિસ્ટ્રિક્ટ કરી શકે છે, જો તે ફોન કે ટેબ્લેટ ખરીદવા માટે ખુદ એ જ બેંકે લોન (ફાઇનાન્સ) આપી હોય. જોકે, ફોન ફાઇનાન્સના કિસ્સામાં પણ બેંકો તરત જ ફોન બ્લોક કરી શકશે નહીં:
-
લોનની ચુકવણીમાં 90 દિવસ વિલંબ (Overdue) થયો હોવો જોઈએ.
-
ફોન બ્લોક કરતા પહેલા બેંકે ગ્રાહકને બકાયદા નોટિસ આપવી પડશે અને ડિફોલ્ટ સુધારવાની તક આપવી પડશે.
ફોન બ્લોક થાય તો પણ ચાલુ રહેશે આ જરૂરી સેવાઓ
ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને RBI એ સ્પષ્ટ કર્યું છે કે જો ફાઇનાન્સ કરેલો ફોન બ્લોક કરવામાં આવે, તો પણ બેંક કેટલીક જરૂરી સેવાઓ બંધ નહીં કરી શકે. ફોન બ્લોક થયા પછી પણ ઇન્ટરનેટ એક્સેસ, ઇનકમિંગ કોલ્સ, ઇમરજન્સી SOS ફીચર અને સરકારી પબ્લિક-સેફ્ટી નોટિફિકેશન હંમેશા ચાલુ રહેશે.
મોડું થશે તો બેંકે કલાકના ₹250 દંડ ચૂકવવો પડશે
જો ગ્રાહક પોતાની બાકી નીકળતી લોનની રકમ કે હપ્તો ભરી દે છે, તો બેંકે 1 કલાકની અંદર મોબાઈલ પરથી તમામ પ્રતિબંધો હટાવવા પડશે. જો બેંક ખોટી રીતે કોઈનો ફોન બ્લોક રાખે છે અથવા ચાલુ કરવામાં વિલંબ કરે છે, તો બેંકે ગ્રાહકને કલાકના ₹250 લેખે વળતર (દંડ) ચૂકવવું પડશે.
રિકવરી એજન્ટો પર કડક નજર, કોલ રેકોર્ડિંગ ફરજિયાત
RBI એ રિકવરી એજન્ટોના ગેરવર્તનને રોકવા માટે પણ કડક ગાઈડલાઈન આપી છે:
-
એજન્ટ અને ગ્રાહક વચ્ચે થતી વાતચીતનું સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ કરવું ફરજિયાત રહેશે.
-
કોઈપણ એજન્ટ ડરાવવા-ધમકાવવાની ભાષા કે ગાળાગાળીનો ઉપયોગ કરી શકશે નહીં.
-
ગ્રાહકનો ફોટો, ઓડિયો કે પર્સનલ વિગતો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકાશે નહીં.
આ નવા નિયમો 1 ઓક્ટોબર 2026 થી લાગુ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે આરબીઆઈએ 31 મે 2026 સુધી તમામ પક્ષો પાસેથી સૂચનો માગ્યા છે. આ નિયમ તમામ સરકારી, પ્રાઈવેટ, કો-ઓપરેટિવ બેંકો અને NBFCs ને લાગુ પડશે.
