વોશિંગ્ટન: દુનિયા હજુ એક સંકટમાંથી બહાર નથી આવી ત્યાં બીજું મોટું સંકટ સામે આવી ગયું છે. ઈરાન અને તેની આસપાસ વધી રહેલા યુદ્ધના તણાવને કારણે હવે વિશ્વભરમાં ખોરાકનું સંકટ ઊભું થઈ શકે છે. વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, આ યુદ્ધને કારણે વિશ્વના લગભગ 4.5 કરોડ (45 મિલિયન) લોકો ભૂખમરા નો શિકાર બની શકે છે.
વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાશે ; ભૂખમરા
વર્લ્ડ બેંકના ‘ફૂડ ક્રાઈસિસ એલર્ટ’ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જો ઈરાન યુદ્ધની સ્થિતિ વધુ વણસે તો ગ્લોબલ સપ્લાય ચેઈન સંપૂર્ણપણે પડી ભાંગશે.
-
ઈરાન પાસે આવેલી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંથી એક છે.
-
આ માર્ગ પરથી માત્ર તેલ જ નહીં, પરંતુ અનાજ અને ફર્ટિલાઈઝર (ખાતર) નો મોટો જથ્થો પસાર થાય છે.
-
જો આ રસ્તો પ્રભાવિત થશે તો ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચશે.
ગરીબ દેશો પર સૌથી વધુ અસર
નિષ્ણાતોના મતે, આ યુદ્ધની સૌથી ખરાબ અસર એવા ગરીબ અને વિકાસશીલ દેશો પર પડશે જેઓ પહેલેથી જ મોંઘવારી અને આબોહવા પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. ખોરાકની અછતને કારણે કુપોષણ અને સામાજિક અસ્થિરતા વધવાનું જોખમ છે. વર્લ્ડ બેંકે સ્પષ્ટ કર્યું છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો વૈશ્વિક ખાદ્ય સુરક્ષા દાયકાઓ પાછળ જતી રહેશે.
ખેતી ખર્ચમાં થશે વધારો
વર્લ્ડ બેંકે ‘એનર્જી-ફૂડ લિંક’ અંગે પણ ચેતવણી આપી છે:
-
કચા તેલ (Crude Oil) ના ભાવ વધવાથી ખેતીની પડતર કિંમતમાં સીધો વધારો થશે.
-
ખાતર બનાવવા માટે કુદરતી ગેસ અને પાકની કાપણી તેમજ હેરફેર માટે ડીઝલની જરૂર પડે છે.
-
જ્યારે ઉર્જા મોંઘી થાય છે, ત્યારે ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બને છે, જેનાથી અનાજનું ઉત્પાદન ઘટી શકે છે.
વર્લ્ડ બેંક આ પરિસ્થિતિને માત્ર પ્રાદેશિક તણાવ નહીં, પરંતુ ‘ગ્લોબલ કોમોડિટી શોક’ તરીકે જોઈ રહી છે.
