Gujarat Plus
Breaking News
બિઝનેસ

મિડલ ઇસ્ટ તણાવ પર RBI ની ચાંપતી નજર, વ્યાજ દરોને લઈને ગવર્નરે આપ્યા મોટા સંકેત

મિડલ ઇસ્ટ તણાવ પર RBIની ચાંપતી નજર, વ્યાજ દરોને લઈને ગવર્નરે આપ્યા મોટા સંકેત

મિડલ ઇસ્ટ (પશ્ચિમ એશિયા) માં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વ્યાજ દરોને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે રેપો રેટ (Repo Rate) વધારવાની વાત કરવી ખૂબ જ ઉતાવળ ગણાશે. સેન્ટ્રલ બેંક પશ્ચિમ એશિયાની સ્થિતિ અને કાચા તેલ (Crude Oil) ના ભાવ પર સતત નજર રાખી રહી છે. પરંતુ વ્યાજ દરો વધારવા અંગે હાલ કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં.

વ્યાજ દરો વધારવાના કોઈ સંકેત નથી

સંજય મલ્હોત્રાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, જો RBI ને નજીકના ભવિષ્યમાં વ્યાજ દરો વધારવાનો પૂરો ભરોસો હોત, તો મોનેટરી પોલિસીનું સ્ટેન્સ ન્યુટ્રલ રાખવાને બદલે રિસ્ટ્રિક્ટિવ (કડક) કરવામાં આવ્યું હોત. પરંતુ એવું કરવામાં આવ્યું નથી. RBI હાલમાં પણ આંકડાઓ (ડેટા) ના આધારે જ નિર્ણયો લેવાની નીતિ પર કાયમ છે અને પરિસ્થિતિઓ પર નજર રાખી રહી છે.

મોંઘવારી અને વિકાસ દર પર નજર

RBI એ તાજેતરમાં જ રેપો રેટને ૫.૨૫ ટકા પર સ્થિર રાખ્યો હતો. જો કે, મધ્યસ્થ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વિકાસ દર (GDP Growth) નો અંદાજ ઘટાડીને ૬.૬ ટકા કર્યો છે. જ્યારે છૂટક મોંઘવારી દર ૫.૧ ટકા સુધી પહોંચવાનો અંદાજ છે.

ગવર્નરે ઉમેર્યું કે મિડલ ઇસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ, ઉર્જાના ભાવોમાં વધારો અને ગ્લોબલ સપ્લાય ચેઈનની મુશ્કેલીઓ મોંઘવારી વધારી શકે છે. તેથી બેંક સંપૂર્ણ સતર્કતા રાખી રહી છે.

કાચા તેલના ભાવ ઘટતા મોટી રાહત

ઇરાન-ઇઝરાયેલ સંઘર્ષમાં તણાવ ઓછો થવા અને યુદ્ધવિરામના સમાચારોના કારણે કાચા તેલના ભાવમાં નરમાઈ આવી છે. આ ઉપરાંત યુરિયાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જે ભારત માટે રાહતના સમાચાર છે. ગવર્નરના મતે, વૈશ્વિક પડકારો છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત રહી છે. સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણના ભાવના આંચકાને સારી રીતે સંભાળી લીધો છે.

‘વેઇટ એન્ડ વોચ’ મોડમાં સેન્ટ્રલ બેંક

આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે હાલમાં બેંક ‘વેઇટ એન્ડ વોચ’ (રાહ જુઓ અને જુઓ) મોડમાં છે. બેંક કાચા તેલના ભાવ, ચોમાસાની પ્રગતિ અને મોંઘવારીની સંભવિત અસરો પર નજર રાખી રહી છે. ઇંધણની મોંઘવારીની અસર અન્ય ચીજવસ્તુઓ કે સેવાઓ પર કેટલી પડશે, તે આગામી સમયના ડેટા પરથી જ સ્પષ્ટ થશે.

સંબંધિત પોસ્ટ્સ

ખેડૂતો માટે મોટા સમાચાર: સરકારે ઘઉંની ખરીદીનો ટાર્ગેટ 15% વધાર્યો, જાણો નવા નિયમો

praxpatel

ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા! HDFC અને PNB સહિત આ બેંકોએ બદલ્યા નિયમો, જાણો તમારી જેબ પર શું થશે અસર?

praxpatel

રૂપિયો 96 ને પાર: ડોલર સામે ભારતીય ચલણ પહેલી વાર ઐતિહાસિક નીચી સપાટીએ, સામાન્ય માણસનું બજેટ ખોરવાશે

praxpatel