કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર રાજ્યસભામાં વિપક્ષના નેતા (Leader of Opposition) બની ગયા છે. કર્ણાટકથી રાજ્યસભાના સભ્ય તરીકે પુનઃ ચૂંટાયા બાદ સોમવારે તેમણે સત્તાવાર રીતે શપથ લીધા હતા.
સંસદીય બુલેટિન દ્વારા થઈ સત્તાવાર જાહેરાત
ટેકનિકલ કારણોસર 25 જૂન 2026ના રોજ તેમનો જૂનો કાર્યકાળ પૂરો થતાં તેઓ આ પદ પરથી હટી ગયા હતા. જોકે, રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદી દ્વારા જાહેર કરાયેલા નવા સંસદીય બુલેટિન અનુસાર, ખડગેને 26 જૂન 2026થી જ ફરીથી વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી દેવામાં આવી છે.
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને લેવડાવ્યા શપથ
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને મલ્લિકાર્જુન ખડગેને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ તેમણે ઉચ્ચ સદનમાં વિપક્ષના નેતા તરીકેની પોતાની જવાબદારીઓ ઔપચારિક રીતે સંભાળી લીધી છે.
It was a momentous occasion for us to witness the swearing in of INC President Sh. Mallikarjun @kharge ji in the Rajya Sabha today.
He brings with him 52 years of legislative experience, where he has risen from the grassroots all the way to the highest echelons of Indian… pic.twitter.com/Vhjnl6BdfU
— K C Venugopal (@kcvenugopalmp) June 29, 2026
ચોમાસુ સત્ર પહેલા મહત્વનો ઘટનાક્રમ
સંસદના આગામી ચોમાસુ સત્ર પહેલા આ રાજકીય ઘટનાક્રમ ઘણો મહત્વનો માનવામાં આવે છે. વિપક્ષના નેતા બન્યા બાદ ખડગેએ આ પદને ગર્વ અને મોટી જવાબદારી ગણાવી હતી. તેમણે ‘ઇન્ડિયા’ (INDIA) બ્લોકના તમામ વિપક્ષી પક્ષોનો આભાર માન્યો હતો. ખડગેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સત્રમાં વિપક્ષ વધુ સારા તાલમેલ સાથે જનતાના મુદ્દાઓ સંસદમાં ઉઠાવશે.
