વરસાદની કાગડોળે રાહ જોતાં ગુજરાતના ખેડૂતો માટે હવામાન વિભાગ તરફથી એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. આગામી સાત દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ખાસ કરીને 2 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અને ખૂબ ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તટીય વિસ્તારોમાં પવનની ઝડપ 15 થી 20 નોટ અને ઝોકા 25 નોટ સુધી પહોંચી શકે છે, જેથી માછીમારો અને દરિયાકાંઠાના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતા ઓછો વરસાદ
ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત ધીમી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી માત્ર 18.8 મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 104 મિ.મી. વરસાદ થવો જોઈએ. જોકે, આગામી અઠવાડિયામાં થનારો સાર્વત્રિક વરસાદ આ ઘટ પૂરી કરે તેવી આશા છે. આ દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
તારીખ પ્રમાણે કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?
-
29 જૂન: રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દીવ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ.
-
30 જૂન: દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, દીવ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને સમગ્ર દક્ષિણ ગુજરાત.
-
1 જુલાઇ: વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.
-
2 થી 4 જુલાઇ: આ દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
