કેરળમાં એક ચર્ચના માલિકી હક અને કબજાને લઈને ઓર્થોડોક્સ અને જેકોબાઈટ જૂથના પાદરીઓ વચ્ચે હિંસક ઘર્ષણ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બંને તરફના પાદરીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના દાવો કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના રવિવારે સવારે કેરળના મુવાટ્ટુપુષા નજીક આવેલા પીરામાડોમના ‘સેન્ટ જ્હોન્સ બેથલેહમ ચર્ચ’ ખાતે ઘટી હતી, ત્યારબાદ સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
ચર્ચના અધિકારને લઈને થઈ મારામારી
પોલીસના જણાવ્યા અનુસાર, આ ચર્ચ મલંકારા ઓર્થોડોક્સ અને જેકોબાઈટ સીરિયન જૂથો વચ્ચે માલિકી હક માટે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનું કેન્દ્ર રહ્યું છે. હાલમાં આ ચર્ચ પર જેકોબાઈટ જૂથનું નિયંત્રણ છે.
ઓર્થોડોક્સ જૂથના કેટલાક પાદરીઓ મુવાટ્ટુપુષા સબ-કોર્ટના ચુકાદાનો હવાલો આપીને ચર્ચ પહોંચ્યા હતા, જેમાં કથિત રીતે ચર્ચનો માલિકી હક તેમના પક્ષમાં આપવામાં આવ્યો હતો.
બોલાચાલી બાદ થઈ ધક્કામુક્કી
જોકે, ચર્ચમાં પહેલાથી જ હાજર જેકોબાઈટ જૂથના પાદરીઓ અને સમુદાયના લોકોએ આનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સ્થાનિક મુફસ્સિલ કોર્ટે કથિત રીતે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો છે.
પોલીસે જણાવ્યું કે બંને જૂથના પાદરીઓ વચ્ચે પહેલા તીખી બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારી અને ધક્કામુક્કીમાં ફેરવાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ કેરળ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
કોઈ જૂથ પીછેહઠ કરવા તૈયાર ન થતાં ચર્ચ સીલ કરાયું
ઘટના બાદ જ્યારે બંનેમાંથી એકપણ જૂથ પીછેહઠ કરવા તૈયાર ન થયું, ત્યારે પોલીસે ચર્ચને બંધ કરીને સીલ કરી દીધું હતું. હવે આ મામલે જિલ્લા વહીવટીતંત્રે હસ્તક્ષેપ કર્યો છે અને બંને જૂથના પ્રતિનિધિઓને સોમવારે સાંજે શાંતિ વાર્તા માટે આમંત્રણ આપ્યું છે.
બંને જૂથોએ એકબીજા પર પાદરીઓને ઈજા પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે વિધિવત ફરિયાદો મળ્યા બાદ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે જેકોબાઈટ અને ઓર્થોડોક્સ જૂથો વચ્ચે સંપત્તિ અને ચર્ચના નિયંત્રણને લઈને વર્ષોથી કાનૂની અને સામાજિક વિવાદ ચાલી રહ્યો છે.
