કુંભ મેળા દરમિયાન IITવાળા બાબા તરીકે સોશિયલ મીડિયા પર ફેમસ થયેલા અભય સિંહે લગ્ન કરીને સંસારિક જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. મૂળ હરિયાણાના રહેવાસી અભય સિંહે કર્ણાટકની એન્જિનિયર યુવતી પ્રતીકા સાથે સાત ફેરા લીધા છે.
IITવાળા બાબા નુ મહાશિવરાત્રીના દિવસે પવિત્ર લગ્નબંધન
અભય સિંહે ખુલાસો કર્યો કે તેમણે 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના શુભ દિવસે હિમાચલ પ્રદેશના અધંજર મહાદેવ મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 19 ફેબ્રુઆરીએ આ કપલે કોર્ટ મેરેજ પણ કર્યા હતા. લગ્ન બાદ તેઓ અચાનક હરિયાણાના ઝજ્જરમાં પોતાના પિતાના આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યારે આ વાતની જાણ થઈ હતી.
પત્ની પણ છે એન્જિનિયર
IITવાળા બાબા અભય સિંહની પત્ની પ્રતીકા પોતે પણ એન્જિનિયર છે. પ્રતીકાએ જણાવ્યું કે અભય ખૂબ જ સરળ અને પ્રમાણિક વ્યક્તિ છે. હવે આ એન્જિનિયર દંપતી સાથે મળીને સનાતન ધર્મના પ્રચાર માટે કામ કરશે. હાલમાં તેઓ હિમાચલમાં રહી રહ્યા છે અને બંનેના જીવનનું વિઝન એક જ છે.
ભવિષ્યનું આયોજન: ‘શ્રી યુનિવર્સિટી’
આ દંપતી હવે આધ્યાત્મ અને આધુનિક શિક્ષણને જોડવા માંગે છે. તેઓ એક ‘શ્રી યુનિવર્સિટી‘ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. આ યુનિવર્સિટીમાં સંસારિક જ્ઞાનની સાથે સાથે આધ્યાત્મિક સાધનાનું પણ શિક્ષણ આપવામાં આવશે, જેથી યુવાનોને સાચો માર્ગ મળી શકે.
સેલ્ફી લેવા ઉમટી ભીડ
જ્યારે ‘IITવાળા બાબા’ પિતાના આશીર્વાદ લેવા વકીલોની ચેમ્બરમાં પહોંચ્યા, ત્યારે તેમને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. યુવાનોમાં IITવાળા બાબા ખૂબ લોકપ્રિય હોવાથી લોકોએ તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. સોશિયલ મીડિયા પર પણ આ લગ્નના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.
