ગુજરાતના હવામાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ ખરાબ હવામાનને જોતા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ‘ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ ફોર ઈમરજન્સી રિસ્પોન્સ’ (ICR-ER) દ્વારા માછીમારો માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે (20 જૂન) રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. જેમાં મુખ્યત્વે નીચેના જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે:
-
ઉત્તર ગુજરાત અને કચ્છ: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ.
-
સૌરાષ્ટ્ર: રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ.
-
મધ્ય અને દક્ષિણ ગુજરાત: આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ.
દરિયાકાંઠે 60 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે તોફાની પવન
હવામાન વિભાગની આગાહી મુજબ, 20થી 21 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમુક સમયે આ ઝડપ વધીને 55 કિમી સુધી પહોંચી શકે છે.
ત્યારબાદ, 23થી 24 જૂન દરમિયાન દરિયામાં પવનનું જોર વધુ વધશે. ગુજરાત અને કોંકણના કાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જે વરસાદી ઝાપટાં સાથે 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ ખરાબ હવામાન 25 જૂન સુધી યથાવત્ રહેવાની સંભાવના છે.
ગુજરાત મત્સ્યોદ્યોગ એક નજરે:
કાર્યરત બોટ: 36,000થી વધુ માછીમારી બોટ
કુલ માછીમાર વસ્તી: અંદાજે 5.86 લાખ
વાર્ષિક મત્સ્ય ઉત્પાદન: 7થી 8.7 લાખ મેટ્રિક ટન
માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના
ગુજરાતમાં મત્સ્યોદ્યોગનો વ્યાપ ખૂબ જ મોટો છે. આ સંજોગોમાં માછીમારોની જાનમાલની સુરક્ષા માટે સરકાર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને આ સમયગાળા દરમિયાન ઊંડા દરિયામાં ન જવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા જણાવાયું છે. આ ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના અન્ય ભાગોમાં પણ ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે.
