પહેલા મતદાન પછી કન્યાદાન: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections 2026) માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યભરમાંથી પ્રેરણાદાયી દ્રશ્યો સામે આવ્યા છે. લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા અનેક વર-કન્યાઓએ મતદાન મથકે પહોંચી વોટ આપ્યો હતો.
લગ્નના માંડવેથી સીધા મતદાન મથકે
ગુજરાતના નવયુગલોએ આજે “પહેલા મતદાન, પછી કન્યાદાન“ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. લગ્નની વિધિઓ અને વ્યસ્તતા હોવા છતાં, યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જામનગરમાં ભાઈ-બહેને સાથે આપ્યો વોટ
જામનગરના ગુલાબનગરમાં એક જ પરિવારના ભાઈ અને બહેનના આજે લગ્ન છે. લગ્ન પ્રસંગની દોડધામ વચ્ચે પણ બંનેએ સાથે મળીને મતદાન કર્યું. તેમણે અન્ય લોકોને પણ લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા અપીલ કરી હતી.
શણગારેલી કારમાં પહોંચ્યા વરરાજા
-
અરવલ્લી: મેઘરજમાં વરરાજા નીતિન પંચાલ લગ્ન માટે શણગારેલી કાર લઈને સીધા રખાપુર મતદાન મથકે પહોંચ્યા હતા.
-
યુગલ મતદાન: મેઘરજના જ પાર્થ અને દિયા સુથારે લગ્નવિધિ શરૂ થાય તે પહેલા મતદાન કરી જાગૃત નાગરિકનું ઉદાહરણ પૂરું પાડ્યું.
રાજકોટની દીકરીઓનું ગર્વભર્યું મતદાન
રાજકોટ જિલ્લામાં પણ અનેક કન્યાઓએ મતદાન કરીને સૌના દિલ જીતી લીધા છે. ત્યારે જસદણના આટકોટમાં દીનતા વઘાસિયા નામની દુલ્હને લગ્ન પહેલા મતદાન કર્યું. તેણે ભાવુક થઈને જણાવ્યું કે, ‘આજે મારા લગ્ન છે અને આજે જ લોકશાહીનો પર્વ પણ છે. મારા પિયરમાં આ મારું અંતિમ મતદાન છે, જે મારા માટે ખૂબ ગર્વની વાત છે.’
બીજી તરફ જેતપુરના ડેડરવા ગામે અવની દુધાત્રા નામની દુલ્હને લગ્નના શુભ મુહૂર્ત પહેલા મતદાન મથક પર પહોંચી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી.
છોટા ઉદેપુરમાં પણ જોવા મળ્યો ઉત્સાહ
છોટા ઉદેપુર જિલ્લામાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ધંધોડા ગામની બે કન્યાઓએ લગ્ન પૂર્વે મતદાન કરીને અન્ય મતદારોને પણ ઘરની બહાર નીકળી અવશ્ય મતદાન કરવા માટે સંદેશ આપ્યો હતો. આમ, ગુજરાતના આ નવયુગલોએ સાબિત કરી દીધું છે કે અંગત જીવનના ગમે તેવા મોટા પ્રસંગો હોય, પણ દેશ અને લોકશાહી પ્રત્યેની ફરજ સૌથી ઉપર છે.
