અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નવા વૈભવી વિમાન ‘એરફોર્સ-૧’ (Air Force-1) ને દુનિયા સામે રજૂ કર્યું છે. આ ખાસ વિમાન ટ્રમ્પને કતાર સરકાર તરફથી ભેટમાં મળ્યું છે. સુરક્ષાના અનેક મોટા ફેરફારો બાદ તેને રાષ્ટ્રપ્રમુખના સત્તાવાર વિમાન તરીકે તૈયાર કરાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્લેનને ‘ઊડતું વ્હાઇટ હાઉસ’ ગણાવ્યું છે.
નવા અંદાજમાં જોવા મળ્યું એરફોર્સ-૧
જોઇન્ટ મિલિટરી બેઝ એન્ડ્રુઝ પર આયોજિત એક કાર્યક્રમમાં ટ્રમ્પ આ નવા વિમાનમાંથી ઉતરીને સ્ટેજ પર પહોંચ્યા હતા. આ પ્લેનના બહારના દેખાવમાં મોટો ફેરફાર કરાયો છે.
જૂના વિમાનના આછા વાદળી રંગના બદલે હવે આ પ્લેનના નીચેના ભાગમાં નેવી બ્લુ, વચ્ચે લાલ પટ્ટી અને ઉપર વ્હાઇટ કલર આપવામાં આવ્યો છે. પ્લેન પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની સત્તાવાર મહોર પણ લગાવવામાં આવી છે.
નવા પ્લેનથી પહેલી સફર ક્યાંની હશે?
ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ નવા એરફોર્સ-૧ વિમાનનો ઉપયોગ તેઓ આવતા મહિને તુર્કીમાં યોજાનારી NATO સમિટમાં જવા માટે કરશે. આ સિવાય તેઓ આ વર્ષના અંતમાં ચીનની મુલાકાતે પણ જઈ શકે છે. ફ્રાન્સમાં યોજાયેલી જી-૭ સમિટ ટ્રમ્પની જૂના વિમાનમાં છેલ્લી આંતરરાષ્ટ્રીય સફર હતી.
કતારે આપ્યો હતો ૩૭૭૩ કરોડનો વૈભવી ક્યૂબ
આ નવું વિમાન કતાર તરફથી મળેલો એક લક્ઝરી બોઇંગ ૭૪૭ જેટ છે. તેની કિંમત ૪૦૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૩૭૭૩ કરોડ રૂપિયા છે. બોઇંગ કંપની દ્વારા નવા રાષ્ટ્રપ્રમુખના સત્તાવાર વિમાનો તૈયાર ન થાય ત્યાં સુધી આ પ્લેનનો ઉપયોગ કરવામાં આવશે. નવા પ્લેનની ડિલિવરી હવે ૨૦૨૮ સુધી ટળી ગઈ છે.
પદ છોડ્યા બાદ પ્લેન દાન કરી દેવાશે
કતાર તરફથી મળેલી આ મોંઘી ભેટ સ્વીકારવા બદલ ટ્રમ્પ સામે કેટલાક કાનૂની અને નૈતિક સવાલો પણ ઉઠ્યા હતા. જોકે, ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપ્રમુખનું પદ છોડ્યા પછી તેઓ આ વિમાનનો વ્યક્તિગત ઉપયોગ નહીં કરે અને ભવિષ્યમાં તેને દાન કરી દેવામાં આવશે.
સુરક્ષાના કડક નિયમોનું પાલન
અમેરિકન એરફોર્સના જણાવ્યા અનુસાર, આ પ્લેનમાં તમામ જરૂરી સુરક્ષા ફેરફારો કરવામાં આવ્યા છે. આ પ્લેન રાષ્ટ્રપ્રમુખના વિમાન માટે નક્કી કરાયેલા તમામ કડક સુરક્ષા માપદંડો પર બિલકુલ ખરું ઉતરે છે.
