યુનાઇટેડ કિંગડમ (UK) ના રાજકારણમાં અત્યારે ભારે હલચલ મચી ગઈ છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરના (Keir Starmer) ભવિષ્યને લઈને નવી અટકળો શરૂ થઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, તેઓ સોમવારે જ પોતાના રાજીનામાની અને પદ છોડવાની સમયસીમાની જાહેરાત કરી શકે છે. ‘ધ ઓબ્ઝર્વર’ ના રિપોર્ટ મુજબ, કીર સ્ટારમર સરકાર અને લેબર પાર્ટીનું નેતૃત્વ કરવાની પોતાની ક્ષમતા અંગે કેબિનેટના સાથીઓ અને સલાહકારો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચાઓ બાદ તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે હવે તેમનું પદ પર ટકી રહેવું મુશ્કેલ છે.
ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા સત્તાવાર પુષ્ટિ નહી
જો કે, આ તમામ અટકળો વચ્ચે બ્રિટિશ પીએમના સત્તાવાર નિવાસસ્થાન ‘ડાઉનિંગ સ્ટ્રીટ’ તરફથી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. સરકારી સૂત્રોએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે સ્ટારમરનું સંપૂર્ણ ધ્યાન અત્યારે સરકાર ચલાવવા પર છે.
આ અગાઉ શુક્રવારે પણ પોતાની ટીકાઓનો જવાબ આપતા પીએમ સ્ટારમરે સ્પષ્ટ કહ્યું હતું કે, “હું પાછળ હટવાનો નથી.” આનાથી સંકેત મળ્યા હતા કે તેઓ પોતાના નેતૃત્વ સામેના પડકારોનો સામનો કરવા તૈયાર છે.
પીએમ પદની રેસમાં એન્ડી બર્નહમ સૌથી આગળ
આ રાજકીય અનિશ્ચિતતા વચ્ચે હવે બધાની નજર એન્ડી બર્નહમ (Andy Burnham) તરફ ટકેલી છે. જો લેબર પાર્ટીમાં નેતૃત્વ માટે ચૂંટણી થાય, તો તેઓ આગામી વડાપ્રધાન બનવાના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
લેબર પાર્ટીના ઘણા નેતાઓનું માનવું છે કે તાજેતરની ચૂંટણીઓમાં મળેલી જીતે બર્નહમનો દાવો વધુ મજબૂત કર્યો છે. ‘રિફોર્મ યુકે’ સામે તેમની જોરદાર જીત બાદ એવી ચર્ચા છે કે તેઓ લેબર પાર્ટીને આગળ લઈ જવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે.
લેબર પાર્ટીમાં આંતરિક મતભેદો વધ્યા
અહેવાલો અનુસાર, એન્ડી બર્નહમ અત્યારે તાત્કાલિક કોઈ મોટો પડકાર ઉભો કરવાના મૂડમાં નથી. તેઓ અત્યારે કીર સ્ટારમર પર રાજકીય દબાણ આપોઆપ વધવા દેશે.
બીજી તરફ, લેબર પાર્ટીમાં આંતરિક મતભેદો સતત ઊંડા થઈ રહ્યા છે. પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે હવે સ્ટારમરનો બચાવ કરવો મુશ્કેલ બની ગયો છે. લેબર પાર્ટીના પૂર્વ પોલિટિકલ ડાયરેક્ટર લ્યુક સુલિવાનના જણાવ્યા મુજબ, તાજેતરની રાજકીય ઘટનાઓએ વડાપ્રધાન માટેના વિકલ્પો ખૂબ જ મર્યાદિત કરી દીધા છે.
