ગુજરાતમાં દારૂબંધીના કાયદા વચ્ચે છોટા ઉદેપુરની બોડેલી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક કાર ઝડપી પાડી છે. સંખાંદ્રા ગામની સીમમાં મળેલી બાતમીના આધારે પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જોકે કારચાલક પોલીસને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.
ગુપ્ત ખાનામાં છુપાવેલો હતો દારૂનો જથ્થો
મળતી માહિતી મુજબ, બોડેલી પોલીસની ટીમ તાંદલજા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે એક સફેદ રંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સંખાંદ્રા ગામના તળાવ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની 960 બોટલ મળી આવી હતી.
Jamnagar/ હાપામાં ભીષણ આગ: મસાલા ફેક્ટરીમાં 35 ટન મરચા બળીને ખાખ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા!
કુલ ₹10.56 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની 960 બોટલ, સફેદ રંગની પેસેન્જર કાર, કુલ કિંમત: ₹10,56,560 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કારચાલક ફરાર, પોલીસ તપાસ તેજ
પોલીસ દરોડા દરમિયાન કારચાલક અંધારાનો લાભ લઈને કાર મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બોડેલી પોલીસે હાલ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.
