પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સન્માનના મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. મમતા બેનર્જીએ એક જૂની તસવીર સોશિયલ મીડિયા અને મીડિયા સામે રજૂ કરીને આરોપ લગાવ્યો કે, ભાજપ અને વડાપ્રધાન પોતે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનું અપમાન કરી રહ્યા છે.
શું છે તસવીરનો વિવાદ?
મમતા બેનર્જીએ જે તસવીર બતાવી તેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’થી સન્માનિત કરી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઊભા છે, જ્યારે વડાપ્રધાન મોદી બાજુમાં બેઠેલા જોવા મળે છે. મમતાએ આ ફોટો બતાવીને કહ્યું કે, “આ ખાસ વડાપ્રધાન માટે છે. તમે દેશના રાષ્ટ્રપતિ અને આદિવાસી નેતાનું સન્માન નથી કરતા. અહીં રાષ્ટ્રપતિ ઊભા છે અને વડાપ્રધાન બેઠા છે. અમે રાષ્ટ્રપતિનું સન્માન કરીએ છીએ, પણ તમે નથી આપતા.”
“મમતા મારી નાની બહેન જેવી છે, પણ…”, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મમતા બેનર્જી પર વ્યક્ત કરી નારાજગી
PM મોદીના આરોપો પર પલટવાર
વડાપ્રધાન મોદીએ અગાઉ મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે રાષ્ટ્રપતિના બંગાળ પ્રવાસ દરમિયાન પ્રોટોકોલનું પાલન નથી કર્યું અને મહિલા દિવસ પર ‘માતૃશક્તિ’નું અપમાન કર્યું છે. તેના જવાબમાં મમતાએ કહ્યું કે: જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે બંગાળને નિશાન બનાવવામાં આવે છે. રાજ્ય સરકારને બિનજરૂરી રીતે દોષિત ઠેરવવામાં આવે છે. મહિલાઓના સન્માન માટે તેમની સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે.
🔴#BreakingNews | Bengal CM Mamata Banerjee responds to Prime Minister, shows photograph from 2024 LK Advani Bharat Ratna event, accuses PM Modi of disrespecting President Draupadi Murmu as PM was seen seated in the photo while President was conferring award to Mr Advani pic.twitter.com/woEhaaSTWX
— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) March 8, 2026
ધરણા પર બેઠેલા મમતા બેનર્જી
મમતા બેનર્જી હાલમાં કોલકાતામાં ‘SIR’ મુદ્દે ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ લોકોના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે અને પ્રોટોકોલના નામે રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું કે રાષ્ટ્રપતિના કાર્યક્રમના સ્થળ અંગે તેમણે અગાઉ પત્ર લખીને વાંધો નોંધાવ્યો હતો, પરંતુ કેન્દ્રએ તેની અવગણના કરી હતી.
