છોટાઉદેપુર જિલ્લાના કવાંટ-નસવાડી રોડ પર એક અત્યંત દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. ડણી ગામના બસ સ્ટેન્ડ નજીક એક પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર પતિ-પત્ની બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈકના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
નોકરી પૂરી કરીને ઘરે પરત ફરતા નડ્યો અકસ્માત
પ્રાથમિક માહિતી મુજબ, જામ્બા ગામના વતની ભૂપેન્દ્રભાઈ રાઠવા ગઢ બોરિયાદ ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ફરજ બજાવતા હતા. તેઓ પોતાની નોકરી પૂરી કરીને પત્ની સુનિતાબેન રાઠવા સાથે બાઈક પર પરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ડણી ગામના બસ સ્ટેન્ડ પાસે એક કાળમુખી ઇકો કારે તેમની બાઈકને જોરદાર અડફેટે લીધી હતી.
જામ્બા ગામ સહિત પંથકમાં શોકનો માહોલ
આ ભયાનક અકસ્માતમાં સુનિતાબેનને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમણે અને તેમના પતિ ભૂપેન્દ્રભાઈએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતને પગલે આસપાસના રાહદારીઓ તરત જ બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા. દંપતીના અચાનક મોતના સમાચારથી જામ્બા ગામ અને આસપાસના સમગ્ર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે.
નસવાડી પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે નસવાડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
