ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં શનિવારે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. અહીં મંચેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગાડકન સ્થિત ઓમ સાઈ વિહાર એપાર્ટમેન્ટમાં 54 વર્ષીય પ્રૌઢની ચાકુ મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યા પાછળ આડા સંબંધની શંકા મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મંદિરથી પાછા ફરતી વખતે એપાર્ટમેન્ટ કેમ્પસમાં હુમલો
મૃતકની ઓળખ સુશીલ કુમાર સિંહ (54) તરીકે થઈ છે. શનિવારે તેઓ નજીકના એક મંદિરથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, તેમના પાડોશમાં રહેતા 45 વર્ષીય નીલકંઠ મોહંતીએ તેમનો પીછો કર્યો હતો.
એપાર્ટમેન્ટ પરિસરની અંદર પહોંચતા જ નીલકંઠે સુશીલ સિંહ પર ધારદાર હથિયાર (ચાકુ) વડે તબડતોબ હુમલો કરી દીધો. આ હુમલામાં સુશીલ ને ગળા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને હોસ્પિટલ લઈ જવાનો સમય પણ ન મળ્યો અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું.
પત્ની સાથે સંબંધ હોવાની શંકા હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી નીલકંઠ મોહંતીને શંકા હતી કે તેની પત્ની અને મૃતક સુશીલ કુમાર સિંહ વચ્ચે કથિત રીતે આડા સંબંધો હતા. બંને એક જ વિસ્તાર, ઓમ સાઈ વિહારમાં રહેતા હતા. આ શંકાના કારણે જ આરોપીએ સુશીલ ની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી નીલકંઠ પોતાના ઘરમાં જઈને છુપાઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ મંચેશ્વર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને કસ્ટડીમાં લઈ લીધો હતો.
પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે કેપિટલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ સાથે સાયન્ટિફિક ટીમ અને ફોરેન્સિક એક્સપર્ટે પણ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકઠા કર્યા છે.
ભુવનેશ્વરના ડીસીપી જગમોહન મીણાએ જણાવ્યું કે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આડા સંબંધની શંકાના આધારે આ હત્યા થઈ હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ તમામ કોણથી તપાસ કરી રહી છે.
