અમદાવાદ શહેરમાં અત્યાર સુધી માત્ર રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની નવનિર્મિત ઈમારતો માં પણ ગાબડાં પડવાના શરૂ થઈ ગયા છે. શીલજ વિસ્તારમાં આવેલ સ્મશાનગૃહમાં અંદર પ્રવેશવાના આરસીસી રોડ જેવા રેમ્પના રીતસરના બે ટુકડા થઈ ગયા હોય તેમ એક બાજુનો ભાગ સંપૂર્ણપણે નીચે બેસી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, હજુ માત્ર ૭ મહિના પહેલાં જ કેફેટેરિયા જેવી આધુનિક સુવિધાઓ સાથે ₹૧૭ કરોડના ખર્ચે આ હાઈટેક સ્મશાનગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું!
સ્મશાનગૃહનો રેમ્પ તળાવ તરફથી બેસી ગયો
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન જૂની અને જર્જરિત ઈમારતો ધસી પડતી હોય છે, પરંતુ આ વર્ષે નવી નિર્માણ પામેલી ઈમારતો અને આરસીસી સ્ટ્રક્ચર તૂટી રહ્યા છે.
શીલજ સ્મશાનગૃહમાં પ્રવેશવાના મુખ્ય રેમ્પ પર અચાનક મોટું ગાબડું પડ્યા બાદ, થોડી જ વારમાં તળાવ તરફનો પાછળનો આખો ભાગ નીચે બેસી ગયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિકો અને મૃતકોના સ્વજનો માટે સ્મશાનગૃહની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે.
એડિશનલ સિટી ઈજનેરની સ્પષ્ટતા
આ મામલે ઉત્તર-પશ્ચિમ ઝોનના એડિશનલ સિટી ઈજનેરે માહિતી આપતાં જણાવ્યું હતું કે:
“ઢાળિયા રસ્તા નીચેથી વીજળી અને ગેસની સર્વિસ લાઈન પસાર થતી હોવાના કારણે સામાન્ય ‘સેટલમેન્ટ’ થયું હતું. જોકે, જોખમી ભાગને તોડીને ત્યાં પીસીસી (PCC – પ્લેન સિમેન્ટ કોંક્રિટ) નાખીને નવો રોડ બનાવી દેવામાં આવ્યો છે.”
પ્રશ્નો અને લોક ચર્ચા
કોઈપણ સ્થળે નવું બાંધકામ કરતા પહેલાં સોઈલ ટેસ્ટ, કેમિકલ અને ભૂગર્ભજળ સ્તર અંગે તપાસ કરવી ફરજિયાત હોય છે. ખાસ કરીને તળાવ કે જળાશયો પાસેની જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. ત્યારે AMC દ્વારા આ કક્ષાની નબળી કામગીરી કરવામાં આવી હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
