Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાત

ગઢડા તાલુકાના જલાલપર ગામમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં પૂર્વ બેંક મેનેજરે અંદાજે 4 કરોડ રૂપિયાની ઉચાપત કરી

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપર ગામમાં આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં પૂર્વ બ્રાન્ચ મેનેજર આનંદભાઈ પોપટભાઈ સગર દ્વારા અંદાજે 100 જેટલા ખાતેદારોના બચત ખાતા અને એફ.ડી.માંથી કરોડોની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ખાતેદારોને તેમના ખાતામાંથી રૂપિયા ઉપડ્યા હોવાના મેસેજ આવતા છતાં બેંક તરફથી સહકાર ન મળતા શંકા ઊભી થઈ હતી. બાદમાં મામલો ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક અને સ્થાનિક પોલીસ સુધી પહોંચતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું.

બેંક દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વ મેનેજરને પદ પરથી હટાવી નવા મેનેજરની નિમણૂક કરવામાં આવી છે અને ઉચાપત મામલે તપાસ ચાલુ છે. આ ઘટનાની જાણ થતાં બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સુરેશ ગોધાણી જલાલપર બેંક બ્રાન્ચે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરપંચની હાજરીમાં ભોગ બનનાર ખાતેદારોની મુલાકાત લઈ સમગ્ર બાબતની જાણકારી મેળવી.

સુરેશ ગોધાણીએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન સાથે ચર્ચા કરી ભોગ બનનાર ખાતેદારોને વહેલાસર રકમ પરત મળે તેવી માંગણી કરી હતી. બેંકના ચેરમેન દ્વારા મેનેજર વિરુદ્ધ ફરિયાદ બાદ ખાતેદારોને તેમની રકમ વહેલી તકે પરત અપાશે તેવી ખાતરી આપવામાં આવી છે. ઉચાપતના કારણે ખેડૂતો સહિત અનેક ખાતેદારો, જેમની કપાસના ટેકાના ભાવ, પાક નુકસાની સહાય અથવા જમીન-મકાન વેચાણની રકમ બેંકમાં જમા હતી, તેઓ હાલ ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે અને વહેલાસર નાણા પરત મળે તેવી માંગ કરી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીઓને સોંપાઈ વધારાની જવાબદારી, ગૃહ વિભાગનું જાહેરનામું

praxpatel

અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ

ANIL PATEL

માધવપુર ઘેડનો મેળો 2026: દરિયાકિનારે જામશે ‘બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’નો રોમાંચ, 650 ખેલાડીઓ બતાવશે કસબ

praxpatel