Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ‘મનરેગા’ યોજના વેન્ટિલેટર પર, ગરીબોને 100 દિવસ રોજગારી આપતાં હાંફી ગઈ!

ગુજરાતમાં 'મનરેગા' યોજના વેન્ટિલેટર પર, ગરીબોને 100 દિવસ રોજગારી આપતાં હાંફી ગઈ!

ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોના ગરીબ પરિવારોને પોતાના ગામમાં જ આજીવિકા પૂરી પાડવાના સરકારી દાવાઓ સામે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારની અતિ મહત્વકાંક્ષી ‘મનરેગા’ (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી) યોજના રાજ્યમાં જરૂરિયાતમંદોને રોજગારી આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. સરકારી આંકડાઓ જ દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મનરેગા હેઠળ કામ કરતા 8.14 લાખથી વધુ શ્રમિકો યોજનામાંથી બહાર થઈ ગયા છે. ગરીબો માટે આશીર્વાદરૂપ ગણાતી આ યોજના હવે માત્ર કાગળ પરની કવાયત બનીને રહી ગઈ હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.

5 વર્ષમાં શ્રમિકોની સંખ્યામાં ભારે ઘટાડો

આંકડાકીય વિગતો પર નજર કરીએ તો:

  • વર્ષ 2021-22: રાજ્યમાં 18.43 લાખ શ્રમિકો મનરેગા હેઠળ કામ કરી રહ્યા હતા.

  • વર્ષ 2025-26: વહીવટી ઉદાસીનતા અને નીતિગત ખામીઓના કારણે આ સંખ્યા ઘટીને માત્ર 10.29 લાખ પર આવી ગઈ છે.

કાયદાકીય જોગવાઈ મુજબ દરેક ગ્રામીણ ગરીબ પરિવારને વર્ષમાં 100 દિવસની ગેરંટેડ રોજગારી આપવાનો નિયમ છે, પરંતુ ગુજરાતમાં આ યોજના સક્ષમ માધ્યમ બનવાના બદલે માત્ર એક ઔપચારિકતા બનીને રહી ગઈ છે.

બજેટ કાપ, મોંઘવારી અને શહેરો તરફ સ્થળાંતર

શ્રમિકોની સંખ્યામાં આવેલા આ મોટા ઘટાડા પાછળ સમયસર પગાર ન મળવો અને બજારભાવ કરતાં ઓછું વેતન હોવું મુખ્ય કારણો છે. મોંઘવારીના જમાનામાં પેટનો ખાડો પૂરવા માટે ગરીબ મજૂરો હવે ગામડાં છોડીને શહેરો તરફ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે યોજનાના બજેટમાં કાપ મૂકવો અને શ્રમિકો દ્વારા કામની માંગ કરવામાં આવે છતાં મંજૂરી ન આપવી જેવા ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે.

રૂ. 132 કરોડનું ચૂકવણું બાકી અને બોગસ જોબકાર્ડની ફરિયાદો

બીજી તરફ, યોજનામાં પારદર્શિતાના અભાવે પંચમહાલ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં બોગસ જોબકાર્ડ બનાવીને ગેરરીતિ આચરવામાં આવી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં મનરેગા હેઠળ કામ કરતા મજૂરોના બાકી વેતન અને વિકાસલક્ષી કામોના મટીરિયલ પેટે રૂ. 132 કરોડનું ચૂકવણું હજુ બાકી છે. સરકારી તંત્ર ભલે ગ્રામીણ વિકાસના ગમે તેટલા દાવા કરતું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગરીબોની આજીવિકાનું સૌથી મોટું સાધન ગણાતી આ યોજના હાલ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.


સંબંધિત પોસ્ટ્સ

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી શરૂ થયું ’મૂન મિશન’?

praxpatel

અમદાવાદ- ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, ₹20,665 કરોડ ખર્ચાશે

praxpatel

આખરે વિવાદનો અંત: દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મારી બાજી, પ્રભાતભાઈ વાઘેલા બન્યા નવા પ્રમુખ!

praxpatel