પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભ (Convocation) માં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે પાસ આઉટ થતા તમામ વિદ્યાર્થીઓને તેમની નવી સફર માટે શુભકામનાઓ આપી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે રમૂજી અંદાજમાં વાતો કરી હતી, જેને કારણે આખું ઓડિટોરિયમ તાળીઓથી ગૂંજી ઊઠ્યું હતું.
“હું કાંઈ બાબા બાગેશ્વર નથી, પરંતુ…”
વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે તમામ વિદ્યાર્થીઓ પદવીદાન સમારંભમાં હાજર છે, પરંતુ તેમના મનમાં પોતાના ભવિષ્યને લઈને ચોક્કસ કંઈક ને કંઈક ચાલી રહ્યું હશે. તેમણે મરક મરક હસીને કહ્યું:
“હું કાંઈ બાબા બાગેશ્વર તો નથી, પણ તમારા મનમાં શું ચાલી રહ્યું છે તેનો થોડો અંદાજ તો લગાવી જ શકું છું.”
પીએમ મોદીએ આગળ ઉમેર્યું કે, દરેક વિદ્યાર્થીના મનમાં આવનારા કાલની એક અલગ તસવીર હોય છે. કોઈ વિદ્યાર્થી પોતાની પહેલી નોકરી અને સેલેરીની રાહ જોઈ રહ્યો હશે, તો કોઈ નવો સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સપનું જોઈ રહ્યું હશે. વળી, કેટલાક વિદ્યાર્થીઓ આગળની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનો લક્ષ્યાંક બનાવી રહ્યા હશે. ભલે દરેકના સપના અલગ હોય, પણ મનમાં ઉત્સાહ એકસરખો જ છે.
ટેકનોલોજી અને બદલાતી દુનિયા
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને IIT દિલ્હીમાં તેમના પ્રથમ દિવસની યાદ અપાવતા કહ્યું કે, એવું લાગતું હશે કે જાણે ગઈકાલે જ ઓરિએન્ટેશન થયું હતું અને જોતજોતામાં આજે પદવીદાનનો દિવસ આવી ગયો!
તેમણે બદલાતા યુગ વિશે વાત કરતા કહ્યું:
-
ગ્લોબલ ઓર્ડર: આજે વિશ્વનો ગ્લોબલ ઓર્ડર ઝડપથી બદલાઈ રહ્યો છે અને તેની પાછળ ટેકનોલોજી સૌથી મોટું કારણ છે.
-
ભવિષ્યનો અંદાજ: આવનારા 20-30 વર્ષમાં દુનિયા કેવી હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
-
સતત શીખવું: ટેકનોલોજી બદલાશે, દુનિયા બદલાશે, પરંતુ આ બદલાતી દુનિયામાં એ જ આગળ વધશે જે સતત નવું શીખતો રહેશે.
ગોલ્ડ મેડલિસ્ટમાં વિદ્યાર્થિનીઓ માટે ખાસ વાત
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એક ખાસ વાત પર પણ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું, “ઘણા વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓ માટે મેડલ મળ્યા છે, હું તે બધાને દિલથી અભિનંદન આપું છું. જોકે, જો મેડલ મેળવનારાઓમાં હજુ વધુ છોકરીઓ હોત તો મને વધુ આનંદ થયો હોત. માત્ર એક કે બે જ કેમ? હજુ વધુ સંખ્યા હોવી જોઈતી હતી.”
વિકસિત ભારત અને રાષ્ટ્રીય જવાબદારી
પ્રધાનમંત્રીએ આઝાદી પહેલાની પેઢીના સંઘર્ષ અને બલિદાનને યાદ કરતા કહ્યું કે, દરેક પેઢીની પોતાની એક રાષ્ટ્રીય જવાબદારી હોય છે. આઝાદી પહેલા લોકો પાસે દેશને આઝાદ કરાવવાનો ધ્યેય હતો.
આજે આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેથી આપણી પડકારો અને જવાબદારીઓ અલગ છે. તેમણે વિદ્યાર્થીઓને વિનંતી કરી કે આવનારા 30-35 વર્ષમાં તેઓ જે પણ કામ કરે, તેનો સીધો પ્રભાવ ‘વિકસિત ભારત’ ના સપના પર પડશે. તેથી દરેક નિર્ણય લેતી વખતે દેશે અને સમાજે શું ફાયદો થશે તે વિચારવું જરૂરી છે.
