કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2026) ની શરૂઆત જ અત્યંત રોમાંચક અને હાઇ-ડ્રામા મેચ સાથે થઈ છે. શુક્રવારે રમાયેલા ઉદ્ઘાટન મુકાબલામાં એન્ટિગુઆ એન્ડ બાર્બુડા ફાલ્કન્સ (Antigua & Barbuda Falcons) એ જમૈકા કિંગ્સમેન (Jamaica Kingsman) ને છેલ્લા બોલે 2 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે.
168 રનના ટાર્ગેટનો પીછો કરતા ફાલ્કન્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 6 રનની જરૂર હતી અને હાથમાં 4 વિકેટ બાકી હતી. પરંતુ છેલ્લી ઓવરમાં સતત બે બોલમાં બે વિકેટ પડતા મેચ સંપૂર્ણપણે પલટાઈ ગઈ હતી.
છેલ્લા બોલનો ડ્રામા અને રોવમેન પોવેલની ભૂલ
છેલ્લા બોલ પહેલાં ફાલ્કન્સને જીતવા માટે 2 રનની જરૂર હતી. બોલર હુનૈન શાહે (Hunain Shah) બોલ એકદમ બ્લોકહોલમાં (યોર્કર) નાખ્યો. શમર સ્પ્રિંગરે (Shamar Springer) બોલને લોંગ-ઓન તરફ રમીને 2 રન માટે દોડ મૂકી.
ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક એવા રોવમેન પોવેલ (Rovman Powell) બોલને સરખી રીતે કંટ્રોલ કરી શક્યા નહીં. પોવેલના હાથમાંથી બોલ છટકતાં જ ફાલ્કન્સના બેટ્સમેનોએ જરૂરી 2 રન પૂરા કરી લીધા અને મેચ પોતાના નામે કરી લીધી.
ડેબ્યૂ મેચમાં તજિંદર સિંહ હીરો બન્યો
ફાલ્કન્સની આ યાદગાર જીતનો સૌથી મોટો હીરો અમેરિકાનો તજિંદર સિંહ (Tajinder Singh) રહ્યો. CPL માં પોતાની પ્રથમ જ મેચ રમી રહેલા તજિંદરે માત્ર 37 બોલમાં 62 રનની તાબડતોબ ઇનિંગ રમી હતી.
168 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રહકીમ કોર્નવોલ (24) અને ટિમ રોબિન્સને બીજી વિકેટ માટે 40 રન જોડ્યા હતા. ત્યારબાદ રોબિન્સન અને તજિંદરે ત્રીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરીને ટીમનો પાયો મજબૂત કર્યો હતો. 17 ઓવરના અંતે ફાલ્કન્સને જીતવા માટે માત્ર 20 રન જોઈતા હતા, પરંતુ કીમો પોલ અને આંદ્રે રસેલની કડક બોલિંગે મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી રાખી હતી.
છેલ્લી ઓવરમાં પડી બે વિકેટ
અંતિમ ઓવરમાં 6 રનની જરૂર હતી ત્યારે હુનૈન શાહે ત્રીજા બોલે જહમાર હેમિલ્ટન અને ચોથા બોલે ઉસામા મીરને આઉટ કરીને મેચમાં સસ્પેન્સ વધારી દીધું હતું. જોકે, છેલ્લી ઘડીએ સ્પ્રિંગરની ચતુર રનિંગ અને પોવેલની મિસફિલ્ડિંગે ફાલ્કન્સને જીત અપાવી દીધી.
કિંગ્સમેનની ધીમી બેટિંગ નડી
આ પહેલાં પ્રથમ બેટિંગ કરતા જમૈકા કિંગ્સમેને 20 ઓવરમાં 7 વિકેટે 167 રન બનાવ્યા હતા. રીઝા હેન્ડ્રિક્સે 25 બોલમાં 42 રન અને રોવમેન પોવેલે 37 બોલમાં 47 રન કર્યા હતા. પરંતુ 7મી થી 16મી ઓવર વચ્ચેના 10 ઓવરમાં કિંગ્સમેન માત્ર 59 રન જ બનાવી શક્યું હતું, જે તેમને ભારે પડ્યું.
ફાલ્કન્સ તરફથી અલ્ઝારી જોસેફે (Alzarri Joseph) 3 વિકેટ ઝડપી હતી અને તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
