Delhi CJP Protest: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. શિક્ષણ વ્યવસ્થા અને NEET પેપર લીક મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP) એ સંસદ ભવન તરફ માર્ચ કાઢી હતી. આ મોટા હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે સાડા ત્રણ કલાક સુધી મેરેથોન બેઠક ચાલી હતી.
સંસદ ભવન પરિસરમાં આવેલી અમિત શાહની ઓફિસમાં આ મહત્વની બેઠક યોજાઈ હતી. જોકે, આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.
NEET પેપર લીક મુદ્દે દિલ્હીમાં હોબાળો
દિલ્હીના જંતર-મંતર પર 20 જૂનથી CJP ના સ્થાપક અભિજીત દીપકેના નેતૃત્વમાં ધરણા ચાલી રહ્યા છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે પ્રદર્શનકારીઓએ ‘ચલો સંસદ’ માર્ચ શરૂ કરી હતી. હજારો પ્રદર્શનકારીઓ સંસદ તરફ આગળ વધતા પોલીસે બેરિકેડિંગ કર્યા હતા.
આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને આંસુ ગેસના ગોળા પણ છોડ્યા હતા.
CJP ની મુખ્ય 3 માંગણીઓ શું છે?
CJP ના ડેલિગેશને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરીને પોતાની માંગણીઓનું જ્ઞાપન સોંપ્યું હતું. તેમની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:
-
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: શિક્ષણ વ્યવસ્થામાં ગેરરીતિ બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રાજીનામું આપે.
-
વિદ્યાર્થીઓના પરિવારને વળતર: NEET 2026 પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર મળે.
-
સોનમ વાંગચુકની મુક્તિ: હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.
બીજી તરફ, હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકે જણાવ્યું છે કે જો સરકાર આ મુદ્દે સંસદમાં ચર્ચાની ખાતરી આપશે, તો તેઓ પોતાના ઉપવાસ પૂરા કરશે.
જે.પી. નડ્ડાની ધરણા સમેટવાની અપીલ
મુલાકાત બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, પ્રદર્શનકારીઓના પ્રતિનિધિમંડળ સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થઈ છે. તેમણે CJP ના નેતાઓને વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવા અને દિલ્હીમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે વહીવટીતંત્રને મદદ કરવા અપીલ કરી છે.
