ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાન પર ત્રીજી વનડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. આ બંને સ્ટાર બેટ્સમેનોએ સાથે મળીને સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
400મી વખત પ્લેઈંગ-11માં એકસાથે રમ્યા
રોહિત શર્મા અને વિરાટ કોહલી આજે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 400મી વખત એકસાથે પ્લેઈંગ-11માં રમવા ઉતર્યા છે. આ સાથે જ તેઓ ભારત તરફથી સૌથી વધુ મેચ એકસાથે રમનારી જોડી બની ગયા છે.
આ અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામે હતો. સચિન અને દ્રવિડ કુલ 391 આંતરરાષ્ટ્રીય મેચોમાં એકસાથે રમ્યા હતા. હવે રોહિત-વિરાટની જોડી તેમનાથી આગળ નીકળી ગઈ છે.
વિશ્વ ક્રિકેટમાં શ્રીલંકાની જોડી ટોચ પર છે
જો વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો, સાથી ખેલાડી તરીકે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. શ્રીલંકાના કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધને કુલ 550 આંતરરાષ્ટ્રીય મેચોમાં એકસાથે રમ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ વૈશ્વિક યાદીમાં હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે.
પ્લેઈંગ-11માં સાથી ખેલાડી તરીકે સૌથી વધુ મેચ રમનારી જોડીઓ:
-
કુમાર સંગાકારા / મહેલા જયવર્ધને (શ્રીલંકા) – 550 મેચ
-
તિલકરત્ને દિલશાન / મહેલા જયવર્ધને (શ્રીલંકા) – 426 મેચ
-
કુમાર સંગાકારા / તિલકરત્ને દિલશાન (શ્રીલંકા) – 418 મેચ
-
સનથ જયસૂર્યા / મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – 408 મેચ
-
જેક્સ કાલિસ / માર્ક બાઉચર (દક્ષિણ આફ્રિકા) – 407 મેચ
-
રોહિત શર્મા / વિરાટ કોહલી (ભારત) – 400 મેચ
-
સચિન તેંડુલકર / રાહુલ દ્રવિડ (ભારત) – 391 મેચ
18 વર્ષની શાનદાર સફર
રોહિત શર્માએ વર્ષ 2007માં અને વિરાટ કોહલીએ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. બંને ખેલાડીઓ છેલ્લા 18 વર્ષથી ભારતીય ટીમની મજબૂત કડી રહ્યા છે.
હવે રોહિત અને વિરાટ માત્ર વનડે ક્રિકેટ જ રમે છે. વનડેમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવામાં વિરાટ કોહલી (14,867 રન) બીજા સ્થાને છે. જ્યારે રોહિત શર્મા (11,757 રન) ત્રીજા સ્થાને છે.
