નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ના 56માં જન્મદિવસે ઉત્તર પ્રદેશના વારાણસી (કાશી) માં એક અનોખી ઘટના જોવા મળી છે. કાશીમાં કોંગ્રેસના કાર્યકરોએ ગંગા નદીમાં ઊભા રહીને રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રાહુલ ગાંધીનું ‘પરશુરામ અવતાર’ વાળું પોસ્ટર જોવા મળી રહ્યું છે. આ પોસ્ટરમાં તેમના એક હાથમાં ફરસો અને બીજા હાથમાં ભારતનું બંધારણ છે.
આગામી વર્ષે 2027 માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં રાહુલ ગાંધી નો આ અવતાર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, કોંગ્રેસે આ તસવીર દ્વારા હિન્દુત્વ અને સામાજિક ન્યાય બંનેનો મોટો રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
એક હાથમાં ફરસો: બ્રાહ્મણ મતદારોને આકર્ષવાની વ્યૂહરચના
ભગવાન પરશુરામને ન્યાય અને અન્યાય સામેની લડાઈના પ્રતીક માનવામાં આવે છે. બ્રાહ્મણ સમુદાયમાં તેમની વિશેષ પૂજા થાય છે. કોંગ્રેસે આ પ્રતીક દ્વારા ઉત્તર પ્રદેશના હિન્દી પટ્ટાના બ્રાહ્મણ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ફરસો એ ભાજપ સરકારના અન્યાય સામે કોંગ્રેસના સંઘર્ષનું પ્રતીક દર્શાવે છે. યુપીમાં બ્રાહ્મણ સમુદાયની વસ્તી લગભગ 10% છે, જે અત્યાર સુધી ભાજપની મજબૂત વોટબેંક ગણાતી રહી છે.
બીજા હાથમાં બંધારણ: દલિતો અને પછાતો માટે ન્યાય
રાહુલ ગાંધીના બીજા હાથમાં બંધારણની નકલ બતાવવામાં આવી છે. આના દ્વારા શક્તિ અને ન્યાય વચ્ચે સંતુલનનો સંદેશ અપાયો છે. રાહુલ ગાંધી લાંબા સમયથી પોતાની સભાઓમાં બંધારણ બતાવીને જાતિ ગણતરી અને અનામતની 50% ની મર્યાદા હટાવવાની માંગ કરી રહ્યા છે. બંધારણ દ્વારા તેઓ દલિતો, પછાતો (OBC) અને વંચિતોના અધિકારોની રક્ષાનો દાવો કરે છે.
ઉત્તર પ્રદેશનું જ્ઞાતિ સમીકરણ
રાજકીય પક્ષો આવી તસવીરો દ્વારા વોટબેંકનું સોશિયલ એન્જિનિયરિંગ ગોઠવતા હોય છે. ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિ સમીકરણો ખૂબ મહત્વના છે:
-
સવર્ણ (General): 17 થી 19% (જેમાં સૌથી વધુ 10% બ્રાહ્મણ છે)
-
ઓબીસી (OBC): 42 થી 43% (જેમાં યાદવ, કુર્મી, મૌર્ય, લોધી વગેરે સામેલ છે)
-
દલિત (Dalit): લગભગ 21% (જેમાં જાટવ અને પાસી મુખ્ય છે)
-
મુસ્લિમ (Muslim): લગભગ 19% (જે ઘણી બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે)
કોંગ્રેસની નજર અત્યારે ભાજપથી નારાજ હોવાનું મનાતા બ્રાહ્મણ વર્ગ અને બંધારણના નામે દલિત-પછાત વર્ગને એકસાથે લાવીને મોટું રાજકીય સમીકરણ બનાવવાની છે. કાશીની પવિત્ર ધરતી પરથી શરૂ થયેલી આ રાજકીય રણનીતિ 2027 ની ચૂંટણીમાં કેટલી સફળ થાય છે, તે જોવું રહ્યું.
<
