રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલું વિનાશક યુદ્ધ હવે એક એવા વળાંક પર પહોંચી ગયું છે, જ્યાં માણસોની જગ્યાએ મશીનો બારૂદ વરસાવી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી આ જંગમાં યુક્રેનને સૈનિકોની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ, આ નબળાઈને હથિયાર બનાવીને યુક્રેને યુદ્ધના મેદાનમાં ‘રોબોટિક આર્મી’ (Robotic Army) ઉતારી દીધી છે. આ એવા સૈનિકો છે જેને ન તો ભૂખ લાગે છે, ન તરસ અને ન તો મોતનો કોઈ ડર છે.
હાલત એ છે કે હવે સરહદ પર એક પણ યુક્રેની સૈનિકને મોકલ્યા વિના, કંટ્રોલ રૂમમાં બેસીને રિમોટ અને સ્ક્રીનની મદદથી રશિયન ચોકીઓને તોડી પાડવામાં આવી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સ્કીએ પોતે પુષ્ટિ કરી છે કે તેમની સેનાએ પહેલીવાર માત્ર રોબોટ અને ડ્રોનની મદદથી રશિયન સૈન્ય ઠેકાણા પર કબ્જો કર્યો છે.
યુદ્ધની સંપૂર્ણ પેટર્ન બદલાઈ ગઈ
મેદાન પર લડાતા યુદ્ધની રીત હવે સંપૂર્ણપણે હાઈટેક બની ગઈ છે:
-
ફ્રન્ટલાઈનથી દૂર કમાન્ડર્સ: જે કમાન્ડર્સ પહેલા સામસામે લોહિયાળ જંગ લડતા હતા, તેઓ હવે મેદાનથી ઘણા કિલોમીટર દૂર બેસીને ઓપરેશન હેન્ડલ કરે છે.
-
રોબોટિક બોમ્બ કેરિયર: વિસ્ફોટકોથી લદાયેલા કેટલાક રોબોટ્સને રશિયન સરહદ તરફ રવાના કરવામાં આવે છે.
-
ડ્રોનથી મોનિટરિંગ: આકાશમાં ઉડી રહેલા ડ્રોન્સ રશિયન સૈનિકોની દરેક હરકત પર નજર રાખે છે અને કંટ્રોલ સેન્ટરમાં બેઠેલા ઓપરેટર્સ સ્ક્રીન જોઈને રોબોટ્સને ગાઈડ કરે છે.
રશિયન સેનામાં ‘સાયલન્ટ ડેથ’ નો ખૌફ
યુક્રેનના આ ગ્રાઉન્ડ રોબોટ્સે રશિયન છાવણીઓમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. પકડાયેલા રશિયન સૈનિકોએ આ રોબોટ્સને ‘સાયલન્ટ ડેથ’ (ખામોશ મોત) નું નામ આપ્યું છે. સૈનિકોના જણાવ્યા અનુસાર, આ રોબોટ્સ એટલી શાંતિથી આગળ વધે છે કે જ્યારે તેનો અવાજ સંભળાય છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. માત્ર ૧૦ મીટરના અંતરે આવ્યા પછી જ તેના હોવાનો ખ્યાલ આવે છે.
< /p>
દર મહિને ૩૫,૦૦૦ રશિયન સૈનિકોને ઢેર કરવાનો ટાર્ગેટ
યુક્રેન આ ટેકનોલોજીનો ઉપયોગ એક મોટી વ્યુહરચના હેઠળ કરી રહ્યું છે:
| વિગત | યુક્રેનનો ટાર્ગેટ અને સ્થિતિ |
| માસિક લક્ષ્યાંક | દર મહિને આશરે 35,000 રશિયન સૈનિકોને હતાહત કરવાનો લક્ષ્યાંક છે. |
| ચાલુ વર્ષનો ટ્રેક | યુક્રેનનો દાવો છે કે 2026 માં તેઓ સતત આ ટાર્ગેટ પૂરો કરી રહ્યા છે. |
| મિશનની સંખ્યા | વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં આ માનવરહિત સિસ્ટમ 22,000 થી વધુ મિશન પાર પાડી ચૂકી છે. |
યુક્રેનની રણનીતિ: યુક્રેનનું માનવું છે કે જો રશિયન સેનાને આટલું મોટું નુકસાન થશે, તો ક્રેમલિન (રશિયન સરકાર) ને મધ્યમ વર્ગના પરિવારોમાંથી જબરન ભરતી કરવી પડશે. આનાથી રશિયાની અંદર જ રાષ્ટ્રપતિ પુતિન વિરૂદ્ધ જનઆક્રોશ વધશે.
બ્રિટનની ગુપ્તચર એજન્સી ‘GCHQ’ ના તાજેતરના અહેવાલ મુજબ, આ ભયાનક યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના આશરે 5 લાખ સૈનિકો માર્યા ગયા છે.
