દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા વચ્ચે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન નું એક મોટું નિવેદન આવ્યું છે. સોમવારે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI) ની ૩૭મી વર્ષગાંઠના કાર્યક્રમમાં તેમણે અર્થતંત્ર અંગે વાત કરી હતી. નાણા મંત્રીએ જણાવ્યું કે ફ્યૂઅલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાને કારણે સરકારને આશરે ₹૧ લાખ કરોડની આવકનું નુકસાન થશે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અત્યારે ડરનો માહોલ ફેલાવવાનું પરવડી શકે તેમ નથી.
મોંઘવારીના માર વચ્ચે દેશમાં નિરાશા ફેલાવનારાઓને જવાબ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા ૧૦ દિવસમાં ચોથી વખત વધારો ઝીંકાયો છે. સોમવારે પેટ્રોલ પ્રતિ લિટર ₹૨.૬૧ અને ડીઝલ ₹૨.૭૧ મોંઘું થયું છે. આ સ્થિતિ વચ્ચે દેશમાં નકારાત્મક વાતાવરણ ઊભું કરનારા ટીકાકારો પર નાણા મંત્રીએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો દેશમાં જાણીજોઈને નિરાશા ફેલાવી રહ્યા છે. સરકારે પોતાના શબ્દો અને કામથી જનતામાં આત્મવિશ્વાસ જગાડવો પડશે. સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર ૧૦ રૂપિયાનો ઘટાડો ઓલરેડી કરેલો છે.
પશ્ચિમ એશિયા સંકટ અને વૈશ્વિક ઓઈલ સપ્લાય ચેઈનમાં વિક્ષેપ
વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઓઈલ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને હોર્મુઝના દરિયાઈ જળમાર્ગ આસપાસ તણાવ હોવાથી ઊર્જા પુરવઠો પ્રભાવિત થયો છે. આ આંતરરાષ્ટ્રીય સંકટને હવે આશરે ત્રણ મહિના થવા આવ્યા છે. નાણા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે અર્થતંત્ર સામે જે પણ પડકારો છે તે સ્થાનિક નહીં પરંતુ બાહ્ય પરિબળોથી પ્રેરિત છે. ભારતની આર્થિક સ્થિતિ આજે પણ મજબૂત અને હકારાત્મક છે.
બદલાતી સ્થિતિમાં ‘3 Fs’ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ટાંકીને નાણા મંત્રીએ બદલાતી વૈશ્વિક સ્થિતિમાં ‘3 Fs’ પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું:
-
Fuel (બળતણ)
-
Fertilizer (ખાતર)
-
Forex (વિદેશી હૂંડિયામણ)
તેમણે નોંધ્યું કે વૈશ્વિક દબાણને કારણે ખાતરના ભાવ અકલ્પનીય સ્તરે પહોંચી ગયા છે. જ્યારે સોનાના ઊંચા ભાવ પણ બાહ્ય મોરચે કેટલાક પડકારો ઊભા કરી રહ્યા છે.
MSMEs ની અટકેલી ચૂકવણી પર ચિંતા વ્યક્ત કરી
નાના ઉદ્યોગોની ચિંતા કરતા નાણા મંત્રીએ જણાવ્યું કે, MSMEs (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ના અટવાયેલા ₹૮.૧ લાખ કરોડ તેમની કાર્યકારી મૂડીને અસર કરી રહ્યા છે. તેમણે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) ને આદેશ આપ્યો છે કે MSMEs માટે નક્કી કરાયેલી ૪૫ દિવસની સમયમર્યાદામાં જ તમામ ચૂકવણી સુનિશ્ચિત કરવામાં આવે.
